News of Wednesday, 16th September 2026
સાહિત્યિક સુરભિ અને સંગીતના સંગમ વચ્ચે ‘ભારવિ’ મંચની ૫૫મી બેઠક યાદગાર બની
‘પોલિએના’નો આસ્વાદ, AI દ્વારા માતૃભાષા શિક્ષણ, ચંદ્રકાન્ત બક્ષીની વાર્તાનું વાચિકમ અને મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ પ્રસ્તુતિઓથી સાહિત્યપ્રેમીઓ મંત્રમુગ્ધ

રાજકોટ: વરસાદના અમીછાંટણા વચ્ચે સાહિત્ય રસિકોની ઉત્સાહભેર હાજરીમાં દર માસના બીજા રવિવારે યોજાતી ભાષારચના વિચારમંચ ‘ભારવિ’ની પંચાવનમી બેઠક, ગત તા. 13 ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સંજય ઉપાધ્યાયના કુશળ સંચાલન સાથે શરૂ થયેલી આ બેઠકમાં સાહિત્ય, શિક્ષણ, કાવ્ય અને સંગીતનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
અધ્યાપક નવીનભાઈ ધામેચાએ એલીનોર પોર્ટરની વિશ્વપ્રસિદ્ધ નવલકથા “પોલિએના” અને તેની અનાથ નાયિકાની “ખુશીની રમત” (Glad Game) દ્વારા સકારાત્મક જીવનદૃષ્ટિનો રસપ્રદ આસ્વાદ કરાવ્યો હતો. ત્યારબાદ વરિષ્ઠ સભ્ય હર્ષદભાઈ ઉપાધ્યાયે પોતાના પ્રપૌત્રના ઉદાહરણ સાથે AI ની મદદથી બોલાતી માતૃભાષાનું અંગ્રેજી લિપિમાં લિપ્યંતરણ કરી બાળકોને માતૃભાષા શીખવવાનો નવતર કન્સેપ્ટ રજૂ કર્યો હતો, જેના પર ગહન ચર્ચા થઈ હતી.
ઉદ્ઘોષક પરાગભાઇ ત્રિવેદી અને હીનાબેન ગોકાણી (વાચિકમ યુટ્યુબ ચેનલ)એ ચંદ્રકાન્ત બક્ષીની વાર્તા “અફેર”નું ઉત્કૃષ્ટ વાચિકમ કરીને નાટ્યાનુભવ કરાવ્યો હતો. જાણીતા ફોટોગ્રાફર અને કવિ ઈશ્વરભાઈ વ્યાસ (આઈ.ડી.)એ હિંદી હાસ્યકવિતા “મેં” રજૂ કરી હતી. આ ઉપરાંત, ‘રીડર્સ બેઠક’ના નિધિ મૃગેસર અને યુવા કવિ આરોહ મહેતાએ કાવ્યપઠન કર્યું હતું, જ્યારે ભગવાનભાઇ થાવરાણીએ નિર્મલ વર્માના ગદ્ય અને સર્જકતા પર વક્તવ્ય આપ્યું હતું. અંતમાં ગાયક કૌશિકભાઈ સિંધવે વિના વાજિંત્રે મધુર સ્વરે ગીતો ગાઈને સ્વર્ગીય મોહમ્મદ રફીને ભાવાંજલિ અર્પી હતી.
જિગીષ રાવલ અને ઈશ્વરલાલ વ્યાસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ તથા તસવીર આલેખન કરાયું હતું. સમૂહ તસવીર અને કવિ આઈ.ડી. વ્યાસના સૌજન્યથી યોજાયેલી ‘ચાય પે ચર્ચા’ સાથે બેઠકનું સમાપન થયું હતું.
(12:46 PM IST)










