<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

૪ાા વર્ષનો કશ્‍યપ સરખો એકડો ઘુંટતો ન હોઇ શિક્ષીકા નિરાલીબેને ગરમ તાવીથાથી ડામ દીધા

રાજકોટના રેલનગર શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ટાઉનશીપમાં બનાવઃ બાળકના કાકા ઠપકો આપવા જતાં તેના ઉપર પણ શિક્ષીકા ગરમ થઇ ગયા : બાળકને સારવાર અપાવવી પડીઃ તેના કાકા વિશાલભાઇ યાદવની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્‍યો

 

શિક્ષીકાના ક્રોધનો ભોગ બનેલો માસુમ કશ્‍યપ અને ડામના નિશાન જોઇ શકાય છેઃ તસ્‍વીર બાળકના વાલીએ મોકલી હતી

રાજકોટ તા. ૭: શહેરમાં ટયુશન ક્‍લાસ ચલાવતી એક મહિલા શિક્ષિકાની અમાનવીય ક્રૂરતા સામે આવી છે. ટયુશનમાં આવતા એક માસુમ બાળકને તે બરાબર એકડો ઘુંટતો ન હોઇ શિક્ષીકાએ ગુસ્‍સે થઇ આ બાળકને ગરમ તાવીથાથી પગ-સાંથળમાં ત્રણ ડામ આપી દેતાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાળકને સારવાર પણ અપાવવી પડી હતી. રેલનગરમાં બનેલા આ બનાવથી ભચારે ચર્ચા જાગી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર શ્‍યામજી કૃષ્‍ણ વર્મા ટાઉનશીપ સી-૫૦૮, સનરાઇઝ સ્‍કૂલની બાજુમાં રહેતાં વિશાલભાઇ હરેશભાઇ યાદવ (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી રેલનગરમાં જ તેમના ઘર નજીક ટાઉનશીપમાં સી-૪૦૮માં રહેતાં નીરાલબેન અશ્વીનભાઇ નામના શિક્ષીકા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

વિશાલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે સાજે હું રિક્ષા લઇને ઘરે આવ્‍યો ત્‍યાર મારા ભાભી ગાયત્રીબને ધર્મેશભાઇ યાદવે જણાવ્‍યું હતું કે મારો દિકરો કશ્‍યપ (ઉ.વ.૪ાા) નજીકમાં રહેતાં નિરાલીબેન અશ્વીનભાઇના ઘરે ટયુશનમાં ગયો હતો. જ્‍યાં નિરાલીબેને કશ્‍યપને ડાબા પગમાં સાથળ ઉપર ગરમ તાવીથાથી ડામ દીધા છે. આ વાત કરતાં હું નીરાલીબેનના ઘરે તેમને ઠપકો આપવા ગયો હતો.

મેં જ્‍યારે નિરાલીબેનને નાના બાળકને શા માટે ડામ દીધા? તેમ પુછ્‍યું ત્‍યારે નીરાલબેન મારી ઉપર એકદમ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને કહ્યું હતું કે-છોકરો લખતો નહોતો એટલે મેં આવુ કર્યુ છે. તમારે જે કાંઇ કરવું હોય તે કરી લ્‍યો. આમ કહી તેણી જેમફાવે તેમ બોલવા માંડયા હતાં. તેમ વધુમાં વિશાલભાઇએ ફરિયાદમાં જણાવતાં પ્ર.નગરના પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બાળકના માતા ગાયત્રીબેને કહ્યું હતું કે મારો દિકરો કશ્‍યપ આંગણવાડીમાં જાય છે અને સાથે સાથે અમે તેને છએક મહિનાથી ટયુશનમાં મોકલીએ છીએ. જ્‍યાં મહિનાની રૂપિયા બસ્‍સો ફી લેવામાં આવે છે. મારા દિકરાને ટયુશનમાં એકડો ઘુંટવાનું નીરાલીબેને કહ્યું હતું. પરંતુ તે એકડો બરાબર ઘુંટતો ન હોઇ નિરાલીબેને તાવીથાથી ડામ દીધા હતાં. અમારે બાળકને સારવાર પણ અપાવવી પડી છે. તેમ વધુમાં તેણીએ કહ્યું હતું. શાળા, ટયુશનમાં બાળકોને મારકુટ થવાની ઘટનાઓ તો બનતી હોય છે પણ આ બનાવમાં ટયુશન ક્‍લાસ ચલાવતાં મહિલાએ ૪ાા વર્ષના બાળકને તે એકડો સરખો ઘુંટતો ન હોઇ ગરમ તાવીથાથી ડામ આપતાં ચર્ચા જાગી છે.

(2:51 PM IST)