News of Monday, 16th November 2026
બેભાન હાલતમાં યુવતિ સહિત ૪ના મૃત્યુ
ગાંધીગ્રામ ભારતીનગરમાં ૨૨ વર્ષિય તેજલબેન વિરૂગામીયા, ચુનારાવાડના ૪૨ વર્ષિય કંચનબેન ગુજરીયા, ન્યુ સૂર્યોદયના ૪૮ વર્ષિય જયેશભાઇ જાની અને ભગવતીપરાના ૬૩ વર્ષિય મધુબેન પરમારે સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૬: બેભાન હાલતમાં બાવીસ વર્ષના યુવતિ, બેતાલીસ વર્ષના મહિલા અને અડતાલીસ વર્ષના આધેડના મૃત્યુ થયા હતાં. ત્રેસઠ વર્ષના વૃધ્ધાએ પણ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ ભારતીનગર-૪માં રહેતાં તેજલબેન ધનજીભાઇ વિરૂગામીયા (ઉ.વ.૨૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણી એક ભાઇથી મોટા હતાં. પિતા સિક્યુરીટીમાં નોકરી કરે છે. નાનપણથી તેણી બિમાર, પથારીવશ હોવાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં ચુનારાવાડ-૧૨માં રહેતાં કંચનબેન દિપકભાઇ ગુજરીયા (ઉ.વ.૪૨) રાતે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેણીને સંતાનમાં એક દિરો અને એક દિકરી છે. પતિ છુટક મજૂરી કરે છે. કેન્સરની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ ન્યુ સૂર્યોદય સોસાયટી-૩માં રહેતાં જયેશભાઇ જશવંતરાય જાની (ઉ.વ.૪૮) સવારે સાડા ચારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્ય થતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેઓ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. અગાઉ કારખાનામાં કામ કરતાં હતાં. હાલમાં પેરેલીસીસ એટેક આવ્યો હોઇ બિમાર હતાં. એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું.
ચોથા બનાવમાં ભગવતીપરા શેરી નં. ૧માં રહેતાં મધુબેન ડાયાભાઇ પરમાર (ઉ.વ.૬૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. પોતે પાંચેક મહિનાથી બિમાર હોઇ પથારીવશ થઇ ગયા હતાં. ચારેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ, થોરાળા પોલીસ, ભક્તિનગર પોલીસ અને બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃત્યુના ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યા હતાં.
(4:17 PM IST)










