News of Wednesday, 29th July 2026
સિવિલ હોસ્પિટલ પાસે ક્વાર્ટરમાં નર્સના ઘરમાંથી ધોળે દિ'એ ૩ લાખની ચોરી
વિશાલભાઇ ભટ્ટની ફરિયાદઃ તેઓ જુનાગઢ માતાની ખબર કાઢવા ગયા અને પત્નિ નેહાબેન નોકરીએ હતાં ત્યારે ધોળા દિવસે બનાવઃ પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડની બાજુમાં જ આવેલા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં તસ્કરોએ ધોળે દિવસે ત્રાટકી ચોરી કરી છે. સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીના મકાન બંધ કરી નોકરી પર ગયા અને તેમના પતિ બહારગામ ગયા ત્યારે આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પ્ર.નગર પોલીસે સિવિલ હોસ્પિટલ પાસે એસબીઆઇ ગેઇટની સામે ફીલ્ટર હાઉસ સી-ટાઇપ બ્લોક નં. એ-૬માં રહેતાં અને ગ્લોબલ એરટેક સિસ્ટમમાં એક વર્ષથી સિવિલ એન્જિનીયર તરીકે ફરજ બજાવતાં વિશાલભાઇ અરવિંદભાઇ ભટ્ટ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
ફરિયાદની વિગત મુજબ વિશાલભાઇ મુળ મોટા માસિયાળા, અમરેલીના વતની છે. તેમના પત્નિ નેહાબેન સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. તા. ૨૬ના રોજ રોજ વિશાલભાઈ જુનાગઢ રહેતાં પોતાના માતાને હાથે ફ્રેક્ચર થયું હોવાથી તેઓ તેમન ખબર-અંતર પુછવા માટે જૂનાગઢ ગયા હતા અને રાત્રિ રોકાણ ત્યાં જ કર્યું હતું. બીજે દિવસે એટલે કે તા. ૨૭/ના રોજ પત્નિ નેહાબેન પોતાની નોકરી પર ગયા હતા. બપોરના આશરે સવા બે વાગ્યાની આસપાસ નેહાબેને વિશાલભાઇને ફોન કરીને જાણ કરી હતી કે ઘરના દરવાજાનું તાળું તુટેલુ છે અને ચોરી થઇ છે.
ઘટનાની જાણ થતાં જ વિશાલભાઈ તાત્કાલિક જૂનાગઢથી રાજકોટ પરત ફર્યા હતા. દંપતીએ ઘરમાં તપાસ કરતાં લાકડાના કબાટમાં રાખેલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાં ચોરાઈ ગયા હોવાનું જણાયું હતું. તસ્કરો ૪ ગ્રામ વજનની સોનાની વીંટીઓ રૂા. ૨૬ હજારની, અન્ય ૪ વીંટી ૧૮ હજારની, તેમજ સોનાની ગુરૂ ગ્રહની વીંટીઓ બે રૂા. ૭૦ હજારની, બંગડીઓ બે રૂા. ૭૦ હજારની, પેન્ડન્ટ વાળો ચેઇન રૂા. ૭૦ હજારનો, સોનાનો હાર રૂા. ૪૦ હજારનો અને સોનાનો પેન્ડન્ટ સેટ રૂા. ૫હ જારનો તેમજ ચાંદીની વીંટી રૂા. ૨૫૦૦ની, સાંકળા રૂા. ૩૪૦૦ના, ચાંદીની માછલી ૧૫૦૦ની, બ્રેસલેટ રૂા. ૨૦૦૦ના મળી કુલ રૂા. ૩,૦૮,૪૦૦ના દાગીના ચોરી ગયા હતાં. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:09 PM IST)










