<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

રાજકોટ-જેતપુર સિકસ લેનમાં ર૦ બ્રીજ ખૂલ્લાઃ ૬ બ્રીજો ચોમાસા પહેલા ખૂલ્લા મૂકી દેવાશેઃ હાલ ૭૦ ટકા કામગીરી પૂર્ણ કરી લેવાઇ

કલેકટરની પત્રકારો સાથે વાતચીતઃ ટ્રાફીકની ગંભીર સમસ્‍યા સર્જાશે તો અગાઉની જેમ માર્શલ-ક્રેઇનની ર૪ કલાક મદદ લેવાશે

 

રાજકોટ તા. ર૧: રાજકોટ-જેતપુર હાઈવે પ્રોજેક્‍ટના નિર્માણ કાર્યમાં ગતિ આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાઈવેના બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયત્‍નો તેજ કરવામાં આવ્‍યા છે, જેથી ચોમાસા દરમિયાન વાહનચાલકોને પડતી મુશ્‍કેલીઓ નિવારી શકાય.

જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશએ જણાવ્‍યું હતું કે છેલ્લા ૮ થી ૧૦ મહિનામાં હાઈવેના કામમાં નોંધપાત્ર વેગ જોવા મળ્‍યો છે. તેમણે ઉમેર્યું હતું કે જ્‍યારે તેઓએ ચાર્જ સંભાળ્‍યો ત્‍યારે આ પ્રોજેક્‍ટ ૩૬% પૂર્ણ થયો હતો, જે હવે વધીને ૭૦% સુધી પહોંચ્‍યો છે. કામમાં ઝડપ લાવવા માટે મિનિસ્‍ટ્રી ઓફ રોડ ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ હાઈવેઝ, નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્‍ટેટના આર.એન.બી (R&B) વિભાગ તેમજ સ્‍થાનિક જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં   રહીને   કામનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ચોમાસામાં ડાયવર્ઝન ન લેવા પડે અને ટ્રાફિકની સમસ્‍યા સર્જાય નહીં તે માટે આયોજન કરવામાં આવ્‍યું છે. આ અંગે કલેકટર ડો. ઓમ પ્રકાશ સ્‍પષ્ટ કર્યું કે મૂળ ઉદ્દેશ્‍ય ટ્રાફિકની સમસ્‍યાને નાબૂદ કરવાનો છે.જો ટ્રાફિકની ગંભીર સમસ્‍યા સર્જાય તો અગાઉની જેમ જ માર્શલ્‍સ અને ક્રેઈન્‍સની તૈનાતી કરીને ૨૪ કલાક ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે.આગામી સમયમાં કુલ ૨૬ બ્રિજો કાર્યરત કરી દેવાથી રાજકોટ સિટી સહિતના વિસ્‍તારોમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે આગામી દિવસોમાં મુસાફરોને આ હાઈવે પર સુરક્ષિત અને ઝડપી    મુસાફરી   મળવાની આશા બંધાઈ છે.

બીજી બાજુ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજકોટ-જેતપુર હાઈવે પર કુલ ૨૯ ફ્‌લાયઓવર બ્રિજોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું હતું. અત્‍યાર સુધીમાં ૨૦ જેટલા બ્રિજો વાહનવ્‍યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્‍યા છે. બાકી રહેલા ૯ બ્રિજોમાંથી ૬ બ્રિજોનું નિર્માણ કાર્ય આગામી ચોમાસાની શરૂઆત પહેલા પૂર્ણ કરી તેને કાર્યરત કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે.

વધુમાં નેશનલ હાઇવે અધિકારી સૂત્ર એ જણાવ્‍યું હતું કે ચોમાસા સુધીમાં માત્ર ચારથી પાંચ જેટલા બ્રિજોની કામગીરી બાકી રહી છે. તેની કામગીરી પણ ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધીમાં મોટાભાગની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે. ચોમાસુ શરૂ થાય તે પહેલા ૮૦ ટકાથી પણ વધુ કામગીરી રાજકોટ થી જેતપુર હાઈવે સીક્‍સ ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

(2:30 PM IST)