<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જસદણ, રામપરા બેટી, મોટા દડવાના ૧૩૯ પરિવારોને મુખ્‍યમંત્રીના હસ્‍તે રહેણાંક પ્‍લોટની વિનામૂલ્‍યે ફાળવણી

વિચરતી વિમુકત જાતિની લોકોને ઘર માટે પ્‍લોટ આપવા તંત્રની ખાસ ઝૂંબેશ

રાજકોટ તા. ૧૦ :..   રાજકોટ જિલ્લામાં વિચરતી અને વિમુક્‍ત જાતિના પરિવારોને સમાજના મુખ્‍ય પ્રવાહમાં જોડવાના હેતુથી મહેસૂલ વિભાગના ઠરાવ અન્‍વયે કુલ ૧૩૯ પરિવારોને વિનામૂલ્‍યે રહેણાંકના ઘરથાળના પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા છે. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે  આજે આ પરિવારોને જમીનના હક્ક એનાયત કરવામાં આવ્‍યા હતાં.

વિચરતી વિમુક્‍ત જાતિના ઘરવિહોણા લોકોને રહેણાક હેતુ માટે પ્‍લોટ ફાળવવા જિલ્લા કલેક્‍ટરશ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમની સૂચના અને માર્ગદર્શન મુજબ, જિલ્લામાં ઘરવિહોણા પરિવારો માટે રહેણાકના હેતુસર પ્‍લોટના જમીની હક્ક તૈયાર કરવામાં આવ્‍યા છે. જે અંતર્ગત જસદણના ૯૦, રામપરા બેટીના ૨૧ અને મોટાદડવાના ૨૮ મળીને કુલ ૧૩૯ પરિવારોને આ વિનામૂલ્‍યે રહેણાંક પ્‍લોટની ફાળવણી કરવામાં આવી છે.

આ ઘરથાળના પ્‍લોટ મળવાથી વિચરતી અને વિમુક્‍ત જાતિના આ પરિવારોને કાયમી સરનામું પ્રાપ્ત થશે. આ નિર્ણયના પરિણામે તેમના બાળકો નિયમિત શાળાએ જઈ શકશે અને આ તમામ પરિવારો સરકારની આવાસ યોજના સહિતની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકશે

(3:28 PM IST)