<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

દારૂના એક ટીપા વગર પણ થઈ શકે છે નશો! ‘કૂકી’ ખાતા જ આ વ્યક્તિનું લોહી આલ્કોહોલથી ભરાઈ ગયું, ‘ઓટો-બ્રુઅરી સિન્ડ્રોમ’નો ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો

પેટમાં જ બને છે દેશી દારૂની ફેક્ટરી: ૪૩ વર્ષીય પિતાએ દારૂ છોડ્યો હોવા છતાં પોલીસના શ્વાસ પરીક્ષણમાં નશામાં હોવાનું જણાયું, નસીબની બલિહારી કે ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સ જ તેને નશામાં ચૂર કરી દે છે

ફ્લોરિડા: કલ્પના કરો કે તમે વર્ષોથી દારૂને અડક્યા પણ નથી, છતાં તમે રસ્તા પર ગાડી લઈને નીકળો અને પોલીસ તમને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ ના કેસમાં જેલમાં પૂરી દે! અમેરિકાના ૪૩ વર્ષીય માર્ક મોંગિયાર્ડો સાથે કંઈક આવું જ બન્યું છે. માર્ક એક અત્યંત દુર્લભ બીમારી ‘ઓટો-બ્રુઅરી સિન્ડ્રોમ’ (ABS) થી પીડાય છે, જેના કારણે તેનું શરીર પોતે જ દારૂ બનાવવાનું શરૂ કરી દે છે.

પેટમાં કેવી રીતે બને છે દારૂ?

આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે આંતરડામાં રહેલા કુદરતી ખમીર (Yeast) ની માત્રા વધી જાય છે. જ્યારે માર્ક ખાંડ કે કાર્બોહાઇડ્રેટ્સ (જેમ કે બ્રેડ, પાસ્તા કે મીઠાઈ) ખાય છે, ત્યારે તેના પેટમાં રહેલું આ ખમીર તે ખોરાકને આથો આપીને આલ્કોહોલમાં ફેરવી નાખે છે. પરિણામે, તે કશું પણ પીધા વગર જ પૂરેપૂરો નશામાં ચૂર થઈ જાય છે.

એક કૂકીનો ટુકડો અને જેલની હવા!

માર્કે જણાવ્યું કે એકવાર તેણે તેના પુત્રની પાણીની બોટલમાંથી માત્ર એક ચુસ્કી લીધી હતી. થોડી જ વારમાં તેને ચક્કર આવવા લાગ્યા અને ઉબકા થવા લાગ્યા. તપાસ કરતા જાણવા મળ્યું કે તે બોટલમાં બાળકે ખાધેલી કૂકીના નાના ટુકડા હતા. આ મામૂલી ટુકડાઓએ તેના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ૦.૦૯ સુધી પહોંચાડી દીધું હતું, જે કાયદેસરની મર્યાદાથી વધુ છે. આ અજાણી બીમારીને કારણે માર્કે તેની શિક્ષકની નોકરી ગુમાવવી પડી અને તેના પર બે વાર DWI (નશામાં ડ્રાઈવિંગ) ના કેસ પણ નોંધાયા.

નિદાન અને નવો સંઘર્ષ

વર્ષો સુધી મગજમાં ધુમ્મસ, થાક અને નશા જેવી સ્થિતિમાં રહ્યા બાદ, માર્કને ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પ્રસન્ના વિક્રમસિંઘે પાસે જવાબો મળ્યા. ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ દરમિયાન માત્ર ખાંડયુક્ત પીણું પીધાના ૩૦ મિનિટમાં તેનું બ્લડ આલ્કોહોલ લેવલ વધીને ૦.૦૯ થઈ ગયું હતું. આ નિદાન બાદ માર્કની આંખમાં આંસુ આવી ગયા હતા કારણ કે તેને ખબર પડી કે તે ગુનેગાર નહીં પણ બીમાર છે.

કડક આહાર જ એકમાત્ર ઉપાય

હવે માર્ક એક ખાસ ‘પેલિયો’ પ્રકારનો આહાર લે છે, જેમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તે વાહન ચલાવતા પહેલા પણ અનેકવાર બ્રેથલાઈઝરથી પોતાનું આલ્કોહોલ લેવલ ચેક કરે છે. માર્ક કહે છે કે, “શરૂઆતમાં આ ખૂબ જ એકલતાભર્યું હતું કારણ કે મોટાભાગના લોકો આ સ્થિતિ સમજી શકતા નથી, પણ હવે હું મારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત અને શિસ્તબદ્ધ બન્યો છું.” આ બીમારીએ સાબિત કર્યું છે કે ક્યારેક ‘જીભના ચટાકા’ મોંઘા પડી શકે છે.

(8:35 PM IST)