<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

યુપીમાં યોગી સરકારનો મોટો રાજકીય દાવ: મંત્રીમંડળમાં છ નવા ચહેરાઓ સાથે સોશિયલ એન્જિનિયરિંગનું પત્તું ખેલ્યું

બ્રાહ્મણ, ઓબીસી અને દલિત સમીકરણો સાધીને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે કસી કમર: જૂના જોગીઓને બઢતી અને નવા દિગ્ગજોને સ્થાન આપી જાતિગત સંતુલન જાળવવાનો માસ્ટરસ્ટ્રોક

લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળના વિસ્તરણ દ્વારા સૌથી મોટો રાજકીય વ્યૂહ અમલમાં મૂક્યો છે. રવિવારે બપોરે લોકભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં છ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત બ્રાહ્મણ, જાટ, લોધી અને દલિત સમુદાયના પ્રતિનિધિઓને સ્થાન આપીને ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રીએ શનિવારે જ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી નામોની યાદીને અંતિમ ઓપ આપી દીધો હતો.

નવા મંત્રીઓમાં સમાજવાદી પાર્ટી છોડીને ભાજપને ટેકો આપનારા બ્રાહ્મણ નેતા મનોજ પાંડે અને લોધી સમુદાયના કૈલાશ રાજપૂતનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જાટ મતો પર પકડ ધરાવતા ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને પૂર્વાંચલના ઓબીસી ચહેરા હંસરાજ વિશ્વકર્માને સામેલ કરીને ભાજપે પ્રાદેશિક સંતુલન પણ સાધ્યું છે. આ ઉપરાંત, દલિત વોટ બેંકને મજબૂત કરવા માટે પાસી સમુદાયના કૃષ્ણ પાસવાન અને વાલ્મીકી નેતા સુરેન્દ્ર દિલેરને મંત્રીપદની જવાબદારી સોંપાઈ છે, જે વિપક્ષના ગઠબંધન સામે ભાજપનો મજબૂત વળતો પ્રહાર માનવામાં આવે છે.

મંત્રીમંડળના આ વિસ્તરણમાં માત્ર નવા ચહેરા જ નહીં, પરંતુ વર્તમાન રાજ્યમંત્રીઓ સોમેન્દ્ર તોમર અને અજિત પાલને પણ તેમની કામગીરી બદલ બઢતી આપવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોના મતે, યોગી સરકારનું આ પગલું નારાજ સામાજિક જૂથોને મનાવવા અને સંગઠનને ચૂંટણી મોડમાં લાવવા માટેનું મહત્વનું સોપાન છે. સંગઠનમાં વર્ષોથી સક્રિય અને ગ્રાઉન્ડ લેવલ પર પ્રભાવ ધરાવતા નેતાઓને કેબિનેટમાં સ્થાન આપીને ભાજપે 'સબકા સાથ, સબકા વિકાસ' ના નારાને મજબૂતી આપી છે.

(11:07 AM IST)