News of Saturday, 26th September 2026
'મારા કરિયરની નહીં, તમારા પતિની ચિંતા કરો': રિયાલિટી શોમાં સ્વરા ભાસ્કર અને શહેઝાદ પૂનાવાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી, 'ડૂબતી રાજકીય કારકિર્દી' પર વાક્યુદ્ધ!
'રાઈઝ એન્ડ ફોલ' સીઝન ૨માં બંને વચ્ચે તીખા કટાક્ષ: શહેઝાદે સ્વરાના પતિ ફહાદ અહેમદની વિધાનસભા ચૂંટણીમાં હારનો ઉલ્લેખ કરી ટોણો માર્યો

મુંબઈ : જ્યારથી પ્રાઇમ વીડિયોના લોકપ્રિય રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ' (Rise And Fall) સીઝન ૨ના સ્પર્ધકોની લાઇન-અપની જાહેરાત થઈ હતી, ત્યારથી જ ચાહકો ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વચ્ચે જબરદસ્ત ટક્કરની અપેક્ષા રાખી રહ્યા હતા. પ્રથમ એપિસોડ ભલે શાંતિપૂર્ણ રહ્યો હોય, પરંતુ શોના બીજા એપિસોડમાં દર્શકોને અપેક્ષા મુજબનો ફૂલ-ઓન ડ્રામા અને ઉગ્ર બોલાચાલી જોવા મળી છે. બંને વચ્ચેના શાબ્દિક યુદ્ધમાં શહેઝાદે સ્વરાના પતિ અને રાજકારણી ફહાદ અહેમદની રાજકીય કારકિર્દીનો ઉલ્લેખ કરીને મામલો ગરમાવી દીધો હતો.
શોના હોસ્ટ વીરેન્દ્ર સેહવાગે જ્યારે શહેઝાદને પૂછ્યું કે તેઓ સ્વરા સાથે કેમ વાત નથી કરી રહ્યા, ત્યારે શહેઝાદે કટાક્ષમાં કહ્યું કે, "મારો અવાજ દબાવી શકે તેવો કોઈ માઈનો લાલ હજુ જન્મ્યો નથી, હું માત્ર તેમને ઇગ્નોર (અવગણી) રહ્યો છું." આ સાંભળીને સ્વરા હસી પડી અને દલીલબાજીમાં ઉતરી ગઈ. સ્વરાએ કટાક્ષ કરતા કહ્યું કે, "આ કોઈ ચૂંટણી નથી, તમારી ડૂબતી જતી રાજકીય કારકિર્દી અહીંથી કઈં ઉજ્જવળ થવાની નથી." સ્વરાના આ કટાક્ષ પર શહેઝાદે તરત જ વળતો પ્રહાર કરતાં કહ્યું, "મારી કારકિર્દીની ચિંતા ન કરો, તમે તમારા પતિની ચિંતા કરો." જોકે, સ્વરાએ વધુ વિવાદમાં ન પડતાં કહ્યું કે પોતે આ કાદવ-ઉછાળવાની વાતોમાં પડવા માંગતી નથી.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં ફહાદ અહેમદની હાર પર શહેઝાદનો ઈશારો?
શહેઝાદનો આ સીધો ઈશારો સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ તરફ હતો. ફહાદ અહેમદ એક રાજકારણી છે અને તાજેતરમાં જ યોજાયેલી ૨૦૨૪ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમણે મુંબઈની અનુશક્તિ નગર બેઠક પરથી NCP (શરદચંદ્ર પવાર)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમનો સામનો પૂર્વ મંત્રી નવાબ મલિકની પુત્રી સના મલિક સામે થયો હતો, જેમાં ફહાદની હાર થઈ હતી. અગાઉ સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા ફહાદ વિદ્યાર્થી નેતા તરીકે સક્રિય રહી ચૂક્યા છે. તેમની આ રાજકીય હાર અને કારકિર્દીને લઈને જ શહેઝાદે સ્વરાને આકરો જવાબ આપ્યો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
