News of Saturday, 5th September 2026
કેરળમાં પક્ષના જ કાર્યકરો અને મહિલા MLA વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથપાઈ: પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય રમ્યા હરિદાસ ઘાયલ, ૭ કોંગ્રેસ કાર્યકરો સામે પોલીસ કેસ નોંધાયો
ચિરાયનકીઝુ ખાતે શુક્રવારની રાત્રે પક્ષના આંતરિક જૂથવાદને કારણે સર્જાયેલી હિંસક ઘટનામાં મહિલા ધારાસભ્યને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

તિરુવનંતપુરમ:કેરળ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને ખેંચતાણ સપાટી પર આવી છે. કેરળના ચિરાયનકીઝુ વિસ્તારમાં શુક્રવારે રાત્રે કોંગ્રેસના જ કાર્યકરો અને પક્ષના મહિલા ધારાસભ્ય રમ્યા હરિદાસ વચ્ચે તીવ્ર બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ હિંસક ઘર્ષણમાં પૂર્વ સાંસદ અને વર્તમાન MLA રમ્યા હરિદાસને ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ચિરાયનકીઝુ તાલુક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઘટનામાં સામેલ કોંગ્રેસ પક્ષના સાત કાર્યકર્તાઓ સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી રાત્રે સ્થાનિક સ્તરે પક્ષના જ કાર્યકરો અને ધારાસભ્ય વચ્ચે કોઈ મુદ્દા પર ઘર્ષણ શરૂ થયું હતું, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન થયેલી હાથાપાઈમાં રમ્યા હરિદાસ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે ધારાસભ્ય પર થયેલા હુમલા અને મારામારીના મામલે સાત જણા સામે કેસ નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ પક્ષના પોતાના જ કાર્યકર્તાઓ દ્વારા મહિલા નેતા પર કરવામાં આવેલા આ હુમલાને લઈને કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં ભારે ઘમાસાણ મચી ગયું છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
