<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

“મહિલાઓ ઘરે કેદ રહેવા માટે નથી”: ગ્રાન્ડ મુફ્તી અબુબકરના વિવાદાસ્પદ નિવેદન પર કેરળના વિપક્ષી નેતા વી.ડી. સતીશનનો આકરો વળતો પ્રહાર

મહિલાઓને ૧૯મી સદીમાં પાછળ ધકેલી દેવાની માનસિકતા સ્વીકાર્ય નથી; મહિલાઓએ દેશના વિકાસ માટે મુખ્ય પ્રવાહમાં આવવું જ પડશે: નેતાઓની તીખી પ્રતિક્રિયા

તિરુવનંતપુરમ : ભારતના ગ્રાન્ડ મુફ્તી અને સુન્ની ધર્મગુરુ કંથાપુરમ એ.પી. અબુબકર મુસલિયાર દ્વારા જાહેર જીવન અને ધાર્મિક ઉત્સવોમાં મહિલાઓની ભાગીદારી પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરતા આપેલા વિવાદાસ્પદ નિવેદન પર કેરળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કેરળ વિધાનસભાના વિપક્ષી નેતા વી.ડી. સતીશને ગ્રાન્ડ મુફ્તીના આ વલણની આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે આવા વિચારો મહિલાઓને "સદીઓ પાછળ" ધકેલી દે છે અને આધુનિક સમાજમાં આ પ્રકારના મંતવ્યોને બિલકુલ સ્થાન આપી શકાય નહીં.

 

તિરુવનંતપુરમ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં વી.ડી. સતીશને સ્પષ્ટ કર્યું હતું કે, મહિલાઓ માત્ર ઘરમાં જ સીમિત રહે તે વાત સાથે તેઓ કે તેમની પાર્ટી જરાય સહમત નથી. તેમણે ઉમેર્યું, "આજના પ્રગતિશીલ યુગમાં આ ૧૯મી સદીની પછાત માનસિકતા દર્શાવે છે. ખુદ ઈસ્લામ પણ મહિલાઓને ઘર સુધી સીમિત રાખવાનું કહેતો નથી. મહિલાઓએ શિક્ષણ મેળવીને સમાજના દરેક મુખ્ય પ્રવાહમાં સક્રિયપણે જોડાવું જોઈએ, એ જ અમારું સ્પષ્ટ વલણ છે."

 

શું હતો સમગ્ર વિવાદ?

 

તાજેતરમાં કોચી ખાતે યોજાયેલી 'હુબ્બુલ રસુલ' કોન્ફરન્સમાં બોલતા ગ્રાન્ડ મુફ્તી અબુબકરે ધાર્મિક સરઘસો, મદરેસાના જાહેર કાર્યક્રમો અને પુરુષોની હાજરી વાળા પંડાલોમાં મહિલાઓની ભાગીદારી પર રોક લગાવવાનો બચાવ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, "પવિત્ર કુરાન અનુસાર મહિલાઓએ પોતાના ઘરો પૂરતું જ સીમિત રહેવું જોઈએ. મુક્તપણે જાહેર સ્થળોએ આવવાથી સમાજમાં મોટો વિનાશ સર્જાઈ શકે છે. પર્દા પ્રથા એ મહિલાઓના ગૌરવ અને રક્ષણ માટે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજકીય ટીકાઓથી તેમને કોઈ ફરક પડતો નથી અને તેઓ ઈસ્લામિક સિદ્ધાંતો બદલશે નહીં.

 

ગ્રાન્ડ મુફ્તીના આ નિવેદનની રાજ્યના નેતાઓએ કડક શબ્દોમાં ભર્ત્સના કરી છે. નેતાઓએ બંધારણનો હવાલો આપતા ભારપૂર્વક કહ્યું કે ભારતનું બંધારણ દરેક સ્ત્રી અને પુરુષને લિંગભેદ વિના સમાન અધિકાર આપે છે. સ્ત્રીઓ માત્ર ઘર સંભાળવા પૂરતી સીમિત નથી, પરંતુ તેઓ દેશ અને સમાજનું નેતૃત્વ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.

 

(7:28 PM IST)