<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

પતિ માટે કિડની-ડોનર ગોતવા નીકળેલી પત્ની ૩૧+ લાખ ગુમાવ્યા

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી આપવાની લાલચ આપીને ૩૧,૬૭,૮૬૦ રૃપિયા એક સ્થાનિક ડોકટર સહિત ૭ લોકોએ પડાવી લીધા

કલ્યાણ  તા.૯: કલ્યાણ નજીક ચિચપાડા ગામ વિસ્તારમાં રહેતી પંચાવન વર્ષની એક મહિલાને તેના પતિની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી આપવાની લાલચ આપીને ૩૧,૬૭,૮૬૦ રૃપિયા એક સ્થાનિક ડોકટર સહિત ૭ લોકોએ પડાવી લીધા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે વિઠ્ઠલવાડી પોલીસે મંગળવારે સ્થાનિક ડોકટર અને પશ્ચિમ બંગાળના ૪ આરોપીઓ સહિત કુલ ૭ લોકો વિરુદ્ધ છેતરપિડીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. આ કેસમાં કિડનીના ગંભીર રોગથી પીડાતા પતિને બચાવવા માટે મદદની શોધમાં રહેલા દંપતીની મજબૂરીનો આરોપીઓએ ગેરફાયદો ઉઠાવ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર અશોક કોલીએ 'મિડ-ડે'ને કહ્યું હતું કે 'ફરિયાદી મહિલાના પતિને કિડનીની ગંભીર બીમારી હોવાથી તેને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૃર હતી. આ તકનો લાભ ઉઠાવીને આરોપીઓએ મહિલાને ખાતરી આપી હતી કે તેઓ સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી આપશે. આરોપીઓએ કિડનીદાતા (ડોનર) શોધી આપવાનું અને સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાનું ખોટું આશ્વાસન આપ્યું હતું. ભોગ બનનાર મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે આરોપીઓની વાતોમાં આવી ગઈ હતી અને તેમની માગણી મુજબ પૈસા ચૂકવવા તૈયાર થઈ હતી. ફરિયાદી મહિલા પાસેથી ૨૦૨૫ની બીજી જુલાઈથી લઈને અત્યાર સુધીમાં આરોપીઓએ અલગ-અલગ બહાના હેઠળ રોકડ અને ઑનલાઇન માધ્યમથી કુલ ૩૧,૬૭,૮૬૦ રૃપિયા પડાવ્યા છે. કિડની-ડોનરને આપવાની રકમ અને હોસ્પિટલના ખર્ચના નામે મહિલા પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ લીધા પછી પણ આરોપીઓએ કોઈ ઑપરેશન કરાવ્યું નહોતું અને સતત વાયદાઓ કરતા રહ્યા હતા. આખરે પોતાની સાથે છેતરપિડી થઈ હોવાનું સમજાતાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને આ કોઈ મોટું રેકેટ છે કે કેમ એ દિશામાં પણ સઘન તપાસ ચાલુ છે.'

 

(10:32 AM IST)