<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

પત્‍ની ‘કાળો અને જાડો' કહે છે...છૂટાછેડા માંગનારા પતિને કોર્ટનો ફટકો

છત્તીસગઢ હાઈકોર્ટે એક પુરુષની છૂટાછેડાની અરજી ફગાવી દીધીઃ પતિ તેની પત્‍ની તરફથી ક્રૂરતા અને ત્‍યજી દેવાના આરોપો સાબિત કરવામાં નિષ્‍ફળ ગયો : કોર્ટે જણાવ્‍યું કે પતિએ તેની પત્‍ની સામે અનેક આરોપો લગાવ્‍યા હતાઃ પરંતુ તેમાંથી કોઈ પણ નક્કર પુરાવા સાથે સાબિત કરવામાં નિષ્‍ફળ ગયો

નવી દિલ્‍હીઃ તા.૨૫: છત્તીસગઢ હાઈકોર્ટે એક પુરુષની છૂટાછેડાની અરજી ફગાવી દીધી. પુરુષે આરોપ લગાવ્‍યો કે તેની પત્‍ની તેને શ્‍યામ અને વધુ વજનવાળા તરીકે વર્ણવતી હતી. કોર્ટે ચુકાદો આપ્‍યો કે આ આરોપો છૂટાછેડા માટે પૂરતા કારણો નથી. જસ્‍ટિસ પાર્થ પ્રતિમ સાહુ અને સચિન સિહ રાજપૂતની ડિવિઝન બેન્‍ચે ફેમિલી કોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. ફેમિલી કોર્ટે પુરુષની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી અને તેની પત્‍નીની ષીધન, ભેટો અને તેના માતાપિતા દ્વારા આપવામાં આવેલી મિલકત પરત કરવાની અરજી મંજૂર કરી હતી.હાઈકોર્ટે ૨૫ જૂને કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્‍યો હતો અને ૧૮ સપ્‍ટેમ્‍બરે પોતાનો ચુકાદો આપ્‍યો હતો. જાંજગીર-ચંપા જિલ્‍લાની ૨૮ વર્ષીય અક્ષા ઘોષે જાંજગીરમાં ફેમિલી કોર્ટના એડિશનલ ચીફ જાસ્‍ટિસના ૨૮ ઓગસ્‍ટ, ૨૦૨૪ના નિર્ણયને પડકાર્યો હતો.

રાયગઢ જિલ્‍લાની ૨૫ વર્ષીય અક્ષા ઘોષ અને પૂજા સીતના લગ્ન ૭ માર્ચ, ૨૦૧૯ના રોજ રાયગઢ જિલ્‍લાના એક ગામમાં થયા હતા. લગ્ન પછી મહિલા તેના પતિ અને તેના પરિવાર સાથે લગભગ બે થી ત્રણ મહિના સુધી રહી હતી.

પતિએ આરોપ લગાવ્‍યો કે આ સમયગાળા દરમિયાન તેની પત્‍ની તેની સાથે દુશ્‍મનાવટભર્યું વર્તન કરતી હતી, તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી અને વારંવાર તેના માતાપિતાના ઘરે જતી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્‍યો કે તે તેની પરવાનગી વિના એક સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે રાજસ્‍થાન ગઈ હતી અને લગભગ ૨૫ દિવસ પછી પાછી આવી હતી. પતિના જણાવ્‍યા મુજબ, ત્‍યારબાદ તેણીએ જોડિયા બાળકોનો ગર્ભપાત કરાવ્‍યો.

પતિએ જણાવ્‍યું કે ત્‍યારબાદ મહિલાની માતા તેને રાયગઢ લઈ ગઈ, અને તેને પાછી લાવવાના વારંવાર પ્રયાસો છતાં, તેણીએ પાછા ફરવાનો ઇનકાર કર્યો. મહિલાએ તેના પતિના આરોપોને નકારી કાઢ્‍યા, સિવાય કે તેઓ પરિણીત હતા. તેણીએ આરોપ લગાવ્‍યો કે તેના પતિને બીજીસ્ત્રી સાથે ગેરકાયદેસર સંબંધ હતો અને તે જાણ્‍યા પછી તેણે દારૂ પીવાનું શરૂ કર્યું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્‍યો કે તેના પતિએ તેની સાથે દુર્વ્‍યવહાર કર્યો અને ગર્ભાવસ્‍થા દરમિયાન તેની યોગ્‍ય સારવારનો ઇનકાર કર્યો.

મહિલાના જણાવ્‍યા મુજબ, જ્‍યારે તે બીમાર પડી ત્‍યારે તેની માતા તેને રાયગઢની એક હોસ્‍પિટલમાં લઈ ગઈ. સ્‍વસ્‍થ થયા પછી, તેણીએ તેના પતિ અને તેના પરિવારને તેણીને પાછી લઈ જવા વિનંતી કરી, પરંતુ તેઓએ ના પાડી. આ પછી, તેની માતાએ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ રાયગઢ પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ નોંધાવી. મહિલાએ રાયગઢના ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ ક્‍લાસ સમક્ષ ઘરેલુ હિસા કાયદા હેઠળ તેના પતિ અને તેના પરિવાર સામે કાર્યવાહી પણ શરૂ કરી.

પુરાવાઓની તપાસ કર્યા પછી, હાઈકોર્ટે ઠરાવ્‍યું કે પતિ તેની પત્‍ની તરફથી ક્રૂરતા અને ત્‍યજી દેવાના આરોપો સાબિત કરવામાં નિષ્‍ફળ ગયો. કોર્ટે જણાવ્‍યું કે પતિએ તેની પત્‍ની સામે અનેક આરોપો લગાવ્‍યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ નક્કર પુરાવા સાથે સાબિત કરવામાં નિષ્‍ફળ ગયો. કોર્ટે ઠરાવ્‍યું કે પત્‍નીના કાળી ચામડીના અથવા મેદસ્‍વી હોવાના આરોપો છૂટાછેડાનો હુકમ મંજૂર કરવા માટે પૂરતા આધાર નથી. કોર્ટે એમ પણ જણાવ્‍યું હતું કે પતિ એ સાબિત કરવામાં નિષ્‍ફળ ગયો કે તેની પત્‍ની વાજબી કારણ વિના તેના માતાપિતા સાથે રહે છે અને વૈવાહિક સંબંધ છોડી દેવાનો તેનો ઇરાદો સ્‍થાપિત કરવામાં નિષ્‍ફળ ગયો. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને સમર્થન આપ્‍યું અને છૂટાછેડાની અપીલ ફગાવી દીધી. કોર્ટે ખર્ચ વિના અપીલ ફગાવી દીધી અને હુકમનામું તૈયાર કરવાનો નિર્દેશ આપ્‍યો.

(9:54 AM IST)