News of Sunday, 4th October 2026
આકાશની અસલી મહાશક્તિ કોણ? રશિયાનું Su-57 કે અમેરિકન F-35 વચ્ચે જબરદસ્ત જંગ
ભારતની સુરક્ષા સામે વધી રહેલા પડકારો વચ્ચે પાંચમી પેઢીના ફાઇટર જેટ મેળવવા માટે રશિયા અને અમેરિકાના વિકલ્પો પર ગંભીર મંથન ચાલી રહ્યું છે

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટની આવશ્યકતા અને ભારતના આગામી 'AMCA' પ્રોજેક્ટને લઈને એક નવી અને મહત્વપૂર્ણ ચર્ચા છેડી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સ્વદેશી AMCA પ્રોજેક્ટના વિમાનોની ડિલિવરીમાં વિલંબ થશે, તો ચીન અને પાકિસ્તાનના વધતા જોખમને પહોંચી વળવા માટે ભારતે વિદેશી પાંચમી પેઢીના ફાઇટર જેટ ખરીદવાની ફરજ પડશે. ચીન પાસે પહેલેથી જ અદભુત વિમાનો છે અને પાકિસ્તાન પણ ચીન પાસેથી J-35 ખરીદવાની યોજના બનાવી રહ્યું છે, ત્યારે ભારતીય વાયુસેના સમક્ષ સુરક્ષાત્મક સંતુલન જાળવવાનો મોટો પડકાર ઉભો થયો છે.
આ ગંભીર સુરક્ષા સ્થિતિ વચ્ચે રશિયાએ તેના અત્યાધુનિક 5મી પેઢીના Su-57 ફાઇટર જેટની ઓફર કરી છે, જ્યારે અમેરિકા પણ ભારતને F-35 ફાઇટર જેટ ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. જોકે ભારતે તાજેતરમાં જ ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે, પરંતુ રાફેલ એ 4.5 પેઢીનું વિમાન છે. આ સંજોગોમાં રશિયાનું Su-57 અને અમેરિકાનું F-35 વિશ્વના સૌથી ખતરનાક અને અદ્યતન રડાર-ઇવેઝન ક્ષમતા ધરાવતા ફાઇટર જેટ હોવાથી, બંનેમાંથી કયું વિમાન ભારતીય વાયુસેના માટે વધુ શક્તિશાળી અને યોગ્ય સાબિત થશે તેની તુલના કરવી અનિવાર્ય બની ગઈ છે.
પાંચમી પેઢીના ફાઇટર જેટ્સની મુખ્ય વિશેષતા તેની સ્ટેલ્થ (રડારથી બચવાની) ટેકનોલોજી છે, જે દુશ્મનના રડારની નજરમાં આવ્યા વિના અચાનક મોટો હુમલો કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. ભૂતકાળમાં ભારતે હંમેશાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો છે અને પોતાનો 'AMCA' પ્રોજેક્ટ શરૂ કર્યો છે, પરંતુ પડોશી દેશોની વધતી આક્રમકતાને કારણે તાત્કાલિક ધોરણે આધુનિક ક્ષમતા વધારવી અનિવાર્ય બન્યું છે. વાયુસેનાના વડા દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાએ દેશના સંરક્ષણ વર્તુળોમાં હિલચાલ તેજ કરી દીધી છે.
હવે આગામી સમયમાં ભારત સરકાર અને વાયુસેના દ્વારા આ વિષય પર અંતિમ નિર્ણય લેવામાં આવશે કે ભારત રશિયાના Su-57 પર ભરોસો કરશે કે અમેરિકાના F-35ને અપનાવશે. જો કે આ સોદાઓ પર હજુ સુધી કોઈ અંતિમ મહોર લાગી નથી, પરંતુ દેશની સરહદોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં જ કોઈ મોટું વ્યૂહાત્મક પગલું ભરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
