News of Thursday, 17th September 2026
પ્રેમ હોય ત્યાં પરિક્ષા જ ન હોય, પ્રતિક્ષા હોયઃ પૂ. મોરારીબાપુ
અગ્રવન-આગ્રાની ભૂમિ ઉપર ‘માનસ રૂષિ પંચમી' શ્રી રામકથાનો લાભ લેતા ભાવિકો

રાજકોટ, તા. ૧૭: અગ્રવન (આગ્રા)ની ભુમી પર યમુના મહારાણીના પરમ પવિત્ર પ્રવાહની સાક્ષીએ પ્રવાહીત થઇ રહેલી રામકથા માનસ ઋષિ પંચમીના બીજા દિવસના કથા પ્રેમ સંવાદને આગળ ધપાવતા કહયું હતું કે ઋષિ અને મુનિ આ શબ્દ બ્રહ્મમાં ભેદન જુઅઓ. બન્ને સમાન છે. એક જ છે. ઋષિ મુનિ એમ સાથે પણ ઉચ્ચારાય છે. માટે કૃપા કરીને ઋષિ અને મુનિમાં કોઇ વર્ણભેદ-જાતી ભેદ ન જુઓ. તુલસીજીના માનસમાં મુનિ શબ્દ બ્રહ્મ ૭૦૦ થી વધારે વખત આલેખાયો છે. ભારતીય અધ્યાત્મ પરંપરામાં ઋષિ મોટે ભાગે ગૃહસ્થ હોય છે. જયારે મુનિ બહુધા વાનપ્રસ્થી છે. કુંભજ તો બને છે. ઋષિ પણ છે અને મુનિ પણ છે. વસિષ્ઠજી પુર્ણ ગૃહસ્થ છે. એમના ધર્મપત્ની અરુંધતી છે. અને વસિષ્ઠજી-અરુંધતીને સો (૧૦૦) સંતાનો છે. વાલ્મીકી ગૃહસ્થ નથી પણ મા જાનકીજીએ એના આશ્રમમાં બે બાળકોને જન્મ આપ્યા છે. એટલે એ રીતે વાલ્મીકીમાં ગૃહસ્થાઇ જણાય છે.
કોઇએ એક પ્રશ્ન પુછયો છેકે બાપુ અમે કથાને પ્રેમ કરીએ કે તમને? જવાબઃ કથાને પ્રેમ કરો બાપ, વ્યકિત તો આજે છે અને કાલે નથી પણ કથાને પ્રેમ કરો, કથા અમર છે. બીજો એક પ્રશ્ન : બાપ, તમે સત્ય, પ્રેમ, કરૂણાએ ત્રિસુત્ર પર ભાર આપો છો,પણ એનુ પરમ સર્વોચ્ચ શિખરે ે કઇ રીતે પહોંચાય ? જવાબઃ સત્ય છે એ પરમ સત્ય બને, પ્રેમ છે એ પરમ પ્રેમ બને અને કરૂણા છે તે પરમ કરૂણા બને એ અંતિમ શીખર છે. મેં ગઇકાલે પલટુદાસ મહારાજના દોહા-પદાવલી યાદ કર્યા હતો તો આજે મને કબીર બાપુએ (કબીર આશ્રમ-મોરબી)એ લખી મોકલ્યું હતું.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયુ કે, કથામાં કીર્તન એ કથાની જનની-જનેતા છે. હું જયારે કથા ન્હોતો કરતો, મારા બાળપણમાં તલગાજરડામાં નવ-નવ દિવસના કીર્તન થતા હતા અને એ કીર્તનમાં સાધુના બાળકોના વારા આવતા તો એમા સૌથી વધારે સમય હું કીર્તન ગાતો હતો. કલાકો સુધી કીર્તન ગાતો. અમે કથામાં બોલીએ, સંવાદ કરીએ, ચર્ચા કરીએ એ બધું તો થાય પણ કીર્તન એ કથાઓના પ્રાણ છે. હું આપ સૌને, ખાસ કરીને યુવાન ભાઇઓ-બહેનોને નમ્ર વિનંતી કરૂ કે તમે આખો દિવસના કામકાજ આટાપો, જરૂરી બધું જ કરો પણ જયારે કોઇ કામ બાકી ન હોય અને માત્ર સુવાનું જ હોય અને નીંદર ન આવતી હોય તો માત્ર પાંચ જ મિનિટ હરિનામ લ્યો, હરિ સ્મરણ કરો. હરિનામ નો મહિમા છે. આ હું અનુભવથી કહું છે. ખુબ હરિનામ-હરિસ્મરણ તમારા જે કોઇ ઈષ્ટદેવ હોય એનું સ્મરણ કરો. (-મનોજ જોશી ‘મજો' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦, મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫)
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
