તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
દેશના ૧૬૧ મુખ્ય જળાશયોમાં જળસ્તર ઘટીને માત્ર ૨૮ ટકા થયું, પશ્ચિમ અને મધ્ય ભારતમાં જળ સંકટ ઘેરાયું; ભૂગર્ભ જળ પર પણ ભારે દબાણ નબળું ચોમાસું અને ઈરાન સંકટ: ખેડૂતો અને સામાન્ય જનતા પર મોંઘવારીની બેવડી મારનો ખતરો: હાલનું જળસ્તર છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતા પણ નીચું
જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ પાકની વાવણી ખોરવાશે, જેનાથી ડુંગળી, બટાકા અને ટામેટાં જેવા શાકભાજીના ભાવમાં ૩૭ ટકા સુધીનો તોતિંગ ઉછાળો આવી શકે છે ગલ્ફ દેશોમાં તણાવથી ખાતર અને ક્રૂડ મોંઘુ થતા ખેતીનો ખર્ચ વધશે; જોકે સરકારના વિશાળ અનાજ બફર સ્ટોક અને પાક વીમા યોજનાના કારણે ભારત દુષ્કાળ સામે લડવા અગાઉ કરતા વધુ સજ્જ

મુંબઈ: દેશમાં નબળા ચોમાસાની સૌથી પહેલી અને માઠી અસર દેશના વરસાદ આધારિત ખેતી કરતા રાજ્યો પર પડશે. હવામાન વિભાગ (આઈએમડી) અને કૃષિ મંત્રાલયના ડેટા મુજબ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વરસાદ આધારિત ખેતીનો મોટો વિસ્તાર હોવાથી ત્યાં ચોમાસાની અનિયમિતતા મોટું નુકસાન કરી શકે છે.
જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક સપાટીએ: સેન્ટ્રલ વોટર કમિશનના અહેવાલ મુજબ, જૂન મહિનાના મધ્યમાં દેશના ૧૬૧ મુખ્ય જળાશયોમાં આશરે ૫૦ અબજ ઘન મીટર (બીસીએમ) પાણી જ બચ્યું છે, જે તેમની કુલ ક્ષમતાના માત્ર ૨૮ ટકા છે. ગત વર્ષે આ જ સમયે આ આંકડો ૩૭ ટકા હતો. હાલનું જળસ્તર છેલ્લા દસ વર્ષની સરેરાશ કરતા પણ નીચું છે.
નબળા ચોમાસાની શરૂઆતને કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં પાણીનો ઘટાડો વધુ તીવ્ર છે. સૂકા મહિનાઓમાં પીવાનું પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદન આ જળાશયો પર નિર્ભર હોવાથી સ્થિતિ વિકટ બની શકે છે. બીજી તરફ ભારતનો ૬૦ ટકા સિંચાઈ વિસ્તાર અને ૮૫ ટકા ગ્રામીણ પીવાનું પાણી ભૂગર્ભ જળ પર આધારિત છે, પરંતુ સતત વધુ પડતા પાણીના ખેંચાણને કારણે અનેક જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પણ ગંભીર દબાણ હેઠળ છે.
મોંઘવારી અને ખાદ્ય ફુગાવાનો ખતરો: જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને ભારે ફટકો પડી શકે છે. ભારતના વાર્ષિક ઉત્પાદનમાં ખરીફ પાકનો મોટો હિસ્સો છે. ખેડૂતો જૂન અને જુલાઈ વચ્ચે ડાંગર, કઠોળ, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાંની વાવણી કરે છે. વરસાદ ખેંચાય તો વાવણીમાં વિલંબ થાય છે, વાવેતરનો વિસ્તાર ઘટે છે અને પાકનું ઉત્પાદન પણ ઘટે છે. અગાઉ ૨૦૨૩ માં પણ અનિયમિત વરસાદને કારણે ચોખાના પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ હતી અને સરકારે નિકાસ પર નિયંત્રણો લાદવા પડ્યા હતા.
શાકભાજીના ભાવમાં પણ ભડકો થઈ શકે છે. ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ આઝાદપુર મંડીના જથ્થાબંધ ભાવ મુજબ બટાકા ૪ થી ૧૪ રૂપિયા, ડુંગળી ૭.૫ થી ૨૦ રૂપિયા, ટામેટાં ૮ થી ૪૪ રૂપિયા અને લીલા મરચાં ૧૦ થી ૩૦ રૂપિયા પ્રતિ કિલો છે. જો ૨૦૨૩ ની જેમ ભાવમાં ૩૭ ટકાનો વધારો થાય, તો બટાકા ૧૯.૨ રૂપિયા, ડુંગળી ૨૭.૪ રૂપિયા, ટામેટાં ૬૦.૩ રૂપિયા અને લીલા મરચાં ૪૧.૧ રૂપિયા સુધી પહોંચી શકે છે. રિટેલ માર્કેટમાં આ ભાવ આનાથી પણ ઘણા ઊંચા હોઈ શકે છે.
ભારતીય ખેતી પર ઈરાન યુદ્ધની અસર: ખેતી માટે ભારત મોટે ભાગે ગલ્ફ દેશોમાંથી ખાતર આયાત કરે છે જે વિશ્વના સૌથી વ્યસ્ત હોર્મુઝની સામુદ્રધુની માર્ગે આવે છે. ઈરાન યુદ્ધના કારણે માલવાહક જહાજોના ભાડા (ફ્રેઈટ) વધ્યા છે. યુરિયા જેવા ખાતર બનાવવા માટે કુદરતી ગેસ મુખ્ય કાચો માલ છે. વૈશ્વિક સ્તરે ગેસના ભાવ વધવાથી ખાતર ઉત્પાદન મોંઘુ થશે અને સરકારની સબસિડી પર બોજ પડશે. કેન્દ્ર સરકારે ૨૦૨૫-૨૬ ના બજેટમાં ખાતર સબસિડી માટે ૧.૬ લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી છે. વધુમાં ક્રૂડ ઓઈલ અને એલએનજી મોંઘા થવાથી પરિવહન અને સિંચાઈનો ખર્ચ પણ વધશે.
દુષ્કાળ સામે લડવા ભારત કેટલું સજ્જ?: જોકે, રાહતના સમાચાર એ છે કે અગાઉના ભયાનક દુષ્કાળના વર્ષોની સરખામણીમાં ભારત આજે વધુ સજ્જ છે. ખાદ્ય સુરક્ષાના ભાગરૂપે સરકારી ગોડાઉનોમાં કરોડો ટન ઘઉં અને ચોખાનો બફર સ્ટોક છે, જે ભાવ વધારા વખતે બજારમાં ઉતારી શકાય છે. સિંચાઈ વિસ્તારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના થકી લાખો ખેડૂતોને કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, હવામાન વિભાગ (આઈએમડી) ડોપ્લર રડાર અને સેટેલાઇટની મદદથી સચોટ અને વહેલી આગાહી આપી શકે છે.
આમ છતાં, દેશનો અડધો વાવેતર વિસ્તાર હજુ પણ માત્ર વરસાદ પર જ નિર્ભર હોવાથી લાખો ખેડૂતો માટે ચોમાસું જ સાચો આધાર છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
