News of Saturday, 21st November 2026
શેખ હસીનાના વાપસીના અહેવાલો વચ્ચે બાંગ્લાદેશમાં ફરી હિંસા : બે BNP નેતાઓની હત્યા બાદ ૫૦થી વધુ ઘરો અને દુકાનોને આગ ચાંપી દેવાઈ
નરેલ જિલ્લાના કાલિયામાં પૂર્વ અવામી લીગ સાંસદના પૈતૃક ઘર સહિતની મિલકતોને નુકસાન: એક તરફ બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રતિબંધિત અવામી લીગ પર હિંસા ભડકાવવાનો લગાવ્યો આરોપ

ઢાકા: મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના દેશમાં પરત ફરવાની યોજનાના સમાચારો વચ્ચે નરેલ જિલ્લામાં રાજકીય તણાવ અને હિંસા ફાટી નીકળી છે. સ્થાનિક અહેવાલો મુજબ, કાલિયા વિસ્તારમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના બે નેતાઓની હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ બેન્ડર ચાર ગામ અને બરડિયા બજારમાં ઓછામાં ઓછા ૫૦ ઘરો અને અનેક દુકાનોને આગ ચાંપી દીધી હતી. નિશાન બનાવવામાં આવેલી મિલકતોમાં પ્રતિબંધિત અવામી લીગના સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને ભૂતપૂર્વ સાંસદ કબીરુલ હક મુક્તિના પૈતૃક ઘરનો સમાવેશ થાય છે. કાલિયા ફાયર સર્વિસ સ્ટેશન ઓફિસર હુમાયુ કબીરે જણાવ્યું હતું કે રસ્તાઓ પર વૃક્ષો પડી ગયા હોવાથી ફાયર ફાઇટરની ટીમ મોડી પહોંચી શકી હતી, ત્યાં સુધીમાં ૫૦થી વધુ ઘરો બળીને ખાખ થઈ ગયા હતા.
આ ઘટનાક્રમ અંગે બંને રાજકીય પક્ષો તરફથી સામસામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. રાજ્ય સંચાલિત 'બીએસએસ' ન્યૂઝ એજન્સી અને 'ડેઇલી સ્ટાર'ના અહેવાલો મુજબ, બાંગ્લાદેશના વિદેશ મંત્રી હુમાયુ કબીરે તાજેતરની આગચંપી અને પેટ્રોલ બોમ્બ હુમલાઓ માટે પ્રતિબંધિત અવામી લીગ સાથે જોડાયેલા જૂથોને જવાબદાર ઠેરવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે વિદેશમાં રહેલું નેતૃત્વ હિંસાને ઉશ્કેરી રહ્યું છે. બીજી તરફ, બાંગ્લાદેશ સ્ટુડન્ટ્સ લીગના પ્રમુખ હુસૈન સદ્દામે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે BNPના સરઘસ પર થયેલા કથિત હુમલા બાદ અવામી લીગના સમર્થકોના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ઘણા હિન્દુ સમુદાયના પરિવારોના ઘરોનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે 'ઢાકા ટ્રિબ્યુન'ના અહેવાલ પ્રમાણે, આ સપ્તાહની શરૂઆતમાં પણ અલગ-અલગ હિંસક ઘટનાઓમાં BNP અને તેની સાથે જોડાયેલા સંગઠનોના ત્રણ નેતાઓ તથા એક બસ હેલ્પર સહિત ચાર લોકોના મોત થયા હતા. ઓગસ્ટ ૨૦૨૪માં વિદ્યાર્થીઓના આંદોલન બાદ દેશ છોડીને ગયેલા શેખ હસીનાના પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ કાર્ડ વચગાળાની સરકારે રદ કરી દીધા હતા, અને તાજેતરમાં નવા દસ્તાવેજો માટેની તેમની અરજી પણ નકારી કાઢવામાં આવી છે. હસીનાની વાપસીના પ્રયાસો અને સરકારના આકરા વલણ વચ્ચે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને સુરક્ષાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
