તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 1st September 2026
મણિપુરના કાંગપોકપીમાં ફરી હિંસા ભડકી: 30 ઘરોને સળગાવ્યા
આખા વિસ્તારમાં ભારે નુકસાન : સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને સુરક્ષા વધારી દેવામાં આવી

ઈમ્ફાલ ; મણિપુરના અશાંત અને સંવેદનશીલ કાંગપોકપી જિલ્લામાં અચાનક હિંસાનો નવો પવન ફૂંકાતાં સમગ્ર પ્રદેશમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. સશસ્ત્ર હુમલાખોરોની એક ટુકડીએ અચાનક લિયાંગમેઈ નાગા સમુદાયના તપન ખુલ્લેન, તપન ખુનોઉ અને માકુઈ પીપુરમ ગામોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ આ ગામોના આશરે 30 જેટલા ઘરો, વાહનો અને સંપત્તિઓને આગ ચાંપી દીધી હતી, જેનાથી આખા વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અને એક ગ્રામીણ ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ ભયાનક હિંસાના બરાબર એક દિવસ પહેલાં જ તાઈખાંગ કુકી ગામમાં સશસ્ત્ર જૂથો વચ્ચે સામસામે ભીષણ ગોળીબાર થયો હતો. તે કમનસીબ ઘટનામાં બે નિર્દોષ મહિલાઓ સહિત ત્રણ કુકી નાગરિકોના મોત થયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાના વળતા પ્રહાર અને બદલાની ભાવનાથી મંગળવારે સવારે 4 વાગ્યાથી જ નાગા ગામો પર હુમલો શરૂ કરી દેવાયો હતો, જે બપોરે 12:30 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. સળંગ બે દિવસ થયેલા લોહિયાળ સંઘર્ષને કારણે કાંગપોકપી-તામેંગલોંગ બોર્ડર પર પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), કોબ્રા (CoBRA) યુનિટ અને મણિપુર પોલીસની સંયુક્ત ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીઓ સામે વ્યાપક કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. કુકી-ઝો અને નાગા સમુદાય વચ્ચે ચાલી રહેલા આ જૂના વિવાદમાં મે મહિનાથી લઈને અત્યાર સુધીમાં 17 થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરીને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
(9:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
