<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ઓનલાઇન ખરીદીની જાણીતી કંપની મીશોના સહસ્થાપક અને સીઈઓ વિદિત આત્રેએ બાયજુ રવીન્દ્રનના પરિવાર પાસેથી બેંગલુરુમાં રૂપિયા ૮૩.૮૧ કરોડની જમીન ખરીદી

સામાન્ય ગ્રાહકોના ઓનલાઇન વેપારથી અબજોપતિ બનેલા યુવાન ઉદ્યોગપતિની વૈભવી મિલકતની ખરીદી ચર્ચામાં: બે વૈભવી પ્લોટનો કુલ વિસ્તાર ૩૩,૪૮૫ ચોરસ ફૂટ : બાયજુની પત્ની અને ભાઈની પત્ની પાસેથી ખરીદી : કંપનીના દેવા અને કાનૂની વિવાદ વચ્ચે સોદો

બેંગલુરુ : ઓનલાઇન ખરીદીની જાણીતી કંપની મીશોના સહસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિદિત આત્રેએ બેંગલુરુના પ્રતિષ્ઠિત એપ્સિલોન રેસિડેન્શિયલ વિલાઝ વિસ્તારમાં રૂપિયા ૮૩.૮૧ કરોડના બે પ્લોટ ખરીદ્યા છે. આ મિલકતો એડટેક કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવીન્દ્રનના પરિવારની હતી.

 

મિલકત નોંધણીના દસ્તાવેજો મુજબ આત્રેએ બાયજુનાં પત્ની દિવ્યા ગોકુલનાથ પાસેથી ૧૮,૩૦૫ ચોરસ ફૂટ જમીન રૂપિયા ૪૮.૧૧ કરોડમાં અને બાયજુના ભાઈ રિજુ રવીન્દ્રનનાં પત્ની દીપ્થા અખિલા રાઘવન પાસેથી ૧૫,૧૮૦ ચોરસ ફૂટ જમીન રૂપિયા ૩૫.૭૦ કરોડમાં ખરીદી છે. બંને સોદાની નોંધણી ૨૭ જુલાઈએ થઈ હતી.

 

વિદિત આત્રે આઈઆઈટી દિલ્હીના સ્નાતક છે. તેમણે વર્ષ ૨૦૧૫માં પોતાના સહાધ્યાયી સંજીવ બાર્નવાલ સાથે મીશોની સ્થાપના કરી હતી. મીશો ઓનલાઇન વેપારનું પ્લેટફોર્મ છે, જે નાના વેપારીઓને ગ્રાહકો સુધી પહોંચવાની તક આપે છે. કંપનીનો વિકાસ થતાં આત્રે દેશના જાણીતા યુવા ઉદ્યોગસાહસિકોમાં સ્થાન પામ્યા છે.

 

બાયજુસની મૂળ કંપની સામે નાદારીની કાર્યવાહી અને દેવાના વિવાદો ચાલે છે. જમીનના વેચાણના દસ્તાવેજોમાં ખરીદનારના હિતોનું રક્ષણ કરવા ખાસ કાનૂની જોગવાઈઓ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

(11:39 PM IST)