News of Thursday, 25th June 2026
કેન્સર સામેની જંગમાં જીતનો જશ: 69 વર્ષીય અભિનેત્રી નફીસા અલીએ હિમાચલ પ્રદેશમાં 11,000 ફૂટની ઊંચાઈ પર ટ્રેકિંગ કરીને રચ્યો ઈતિહાસ
સ્ટેજ-4 કેન્સરની સારવાર અને કીમોથેરાપી છતાં નફીસા અલીનો અતૂટ જુસ્સો; રોહતાંગના પહાડોમાં પરિવાર સાથે માણી જીવવાની પળો

રોહતાંગ, તા. 25: કહેવાય છે કે મજબૂત મનોબળ સામે મોટી મોટી બીમારીઓ પણ નતમસ્તક થઈ જાય છે. આ વાતને સાબિત કરી બતાવી છે પીઢ અભિનેત્રી અને ભૂતપૂર્વ બ્યુટી ક્વીન નફીસા અલી સોઢીએ. 69 વર્ષની વયે અને સ્ટેજ-4 કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડત આપી રહેલા નફીસા અલીએ તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં 11,000 ફૂટની ઊંચાઈ પર રોહતાંગ નજીક ટ્રેકિંગ પૂર્ણ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
"મને હવે એકદમ નવું લાગે છે"
પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા પારદર્શક રહેલા નફીસા અલીએ સોશિયલ મીડિયા પર આ સફરની કેટલીક ભાવુક અને પ્રેરણાદાયી ઝલક શેર કરી છે. તેમણે વીડિયોમાં પોતાના જમાઈ અને પૌત્રની મદદથી પહાડી રસ્તાઓ અને ખડકો પર ચાલતા જોઈ શકાય છે. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું, "સર્જરી અને કીમોથેરાપીના અનેક સત્રો પછી, આ ટ્રેક મારા માટે કોઈ સંજીવનીથી ઓછું નથી. અહીં આવીને મને એકદમ નવી અને તાજગીભરી અનુભૂતિ થઈ રહી છે."
પડકારજનક ચઢાણ અને પરિવારનો સાથ
નફીસા અલીએ જણાવ્યું કે, આ પ્રવાસમાં તેમના પરિવારના સભ્યો, ખાસ કરીને તેમના જમાઈ આદિલ અને આમૈરનો સાથ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. સિસુ પહોંચતા પહેલા તેમણે આઈકોનિક અટલ ટનલ પણ પાર કરી હતી. હિમાલયની અદભૂત અને રમણીય ખીણો વચ્ચે આખો પરિવાર પિકનિક માણતો જોવા મળ્યો હતો. તેમની આ દૃઢતા જોઈને નેટીઝન્સ પણ મંત્રમુગ્ધ થઈ ગયા છે અને સતત તેમના સ્વાસ્થ્ય અને હિંમત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
કેન્સર સામેનો લાંબો સંઘર્ષ
નફીસા અલી માટે આ લડાઈ નવી નથી. તેમને વર્ષ 2018માં સૌપ્રથમ સ્ટેજ-3 પેરીટોનિયલ અને અંડાશયના કેન્સરનું નિદાન થયું હતું. જોકે, તેમના મજબૂત ઈરાદાઓને કારણે 2019માં તેઓ કેન્સરમુક્ત થયા હતા, પરંતુ ગયા વર્ષે તેમને જાણવા મળ્યું કે આ રોગ પાછો ફર્યો છે અને હવે તે સ્ટેજ-4 સુધી પહોંચ્યો છે. તેમ છતાં, તેમણે હાર માનવાને બદલે જીવનને ભરપૂર જીવવાનું નક્કી કર્યું છે.
એક બહુમુખી પ્રતિભા
ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને નેશનલ સ્વિમિંગ ચેમ્પિયન રહી ચૂકેલા નફીસા અલીએ ભારતીય સિનેમામાં 'જુનૂન', 'મેજર સાબ', અને 'લાઈફ ઇન એ... મેટ્રો' જેવી ફિલ્મો દ્વારા પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. અમિતાભ બચ્ચન અને શશિ કપૂર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલા નફીસા અલીનું આ સાહસ આજે લાખો લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે, જે શીખવે છે કે જીવનની સૌથી મોટી મુસીબતોનો સામનો પણ સકારાત્મક અભિગમ સાથે કરી શકાય છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
