<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

જમ્મુ-કાશ્મીરમાં 'વંદે માતરમ્' ગાન પર ગરમાયું રાજકારણ: ઈન્ડી ગઠબંધનમાં ફાટફૂટ, કોંગ્રેસના વિરોધ સામે ભાજપે કર્યા ઓમર અબ્દુલ્લાના વખાણ!

સરકારી કાર્યક્રમમાં વંદે માતરમના પૂર્ણ સંસ્કરણ મુદ્દે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સામસામે; કે.સી. વેણુગોપાલે ઉઠાવ્યા સવાલ તો તનવીર સાદિકે આપ્યો કાનૂની જવાબ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં 'વંદે માતરમ્' રાષ્ટ્રીય ગીતના પૂર્ણ સંસ્કરણના ગાનને લઈને રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન ગવાયેલા વંદે માતરમના સંપૂર્ણ સ્વરૂપને લઈને ઈન્ડી (INDI) ગઠબંધનના બે મુખ્ય સહયોગી પક્ષો - કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (NC) વચ્ચે ગંભીર મતભેદો સામે આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ નેશનલ કોન્ફરન્સના નેતા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાયદા પ્રત્યેના વલણના વખાણ કર્યા છે, જ્યારે પીડીપી અને કોંગ્રેસે આ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.

 

કોંગ્રેસે ગીતના પૂર્ણ સંસ્કરણ પર ઉઠાવ્યા સવાલો:

 

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, વંદે માતરમ્નું છ પંક્તિઓ ધરાવતું પૂર્ણ સંસ્કરણ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની સર્વસમાવેશક અને વૈવિધ્યસભર ભારતની કલ્પના સાથે મેળ ખાતું નથી. તેમણે દાવો કર્યો હતો કે દેશની આઝાદીની લડાઈ દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે અને કોઈ તણાવ ન સર્જાય તે હેતુથી જાણીબૂઝીને ગીતનું માત્ર બે પંક્તિઓનું ટૂંકું સંસ્કરણ પસંદ કરવામાં આવ્યું હતું.

 

નેશનલ કોન્ફરન્સે આપ્યો જડબાતોડ જવાબ:

 

કોંગ્રેસના આ વલણ સામે નેશનલ કોન્ફરન્સે સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા તનવીર સાદિકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે એક રાજકીય પક્ષ તરીકે નેશનલ કોન્ફરન્સના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે ઉમેર્યું કે, "જ્યારે દેશની સંસદ કોઈ કાયદો કે નિયમ પસાર કરે છે, ત્યારે તેનું પાલન કરવું એ દરેક માટે કાનૂની જવાબદારી બની જાય છે. તેથી તમામ સરકારી અને સત્તાવાર કાર્યક્રમોમાં નિયમ મુજબ જ ગીતનું સંપૂર્ણ સંસ્કરણ ગાવામાં આવે છે." આ મુદ્દે ભાજપે નેશનલ કોન્ફરન્સના બંધારણીય અને કાનૂની વલણને સમર્થન આપતાં ઓમર અબ્દુલ્લાના નિર્ણયને આવકાર્યો છે.

(8:52 PM IST)