<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

બ્રિટિશ સંસદમાં વડતાલ ધામ U.K.દ્વારા ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન

હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની ૨૫મી દિવાળી ઉજવણીમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં સુંદર આયોજન

(વિજય વસાણી દ્વારા) આટકોટ : બ્રિટનની ઐતિહાસિક સંસદ ભવન પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે આવેલા હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયનમાં હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા આયોજિત ૨૫ મા દિવાળી સમારોહમાં વડતાલ દેશ ગાદીના આચાર્ય  અજેન્દ્રપ્રસાદજીમહારાજની આજ્ઞાથી પિનર સ્થિત શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલ ધામ U.K. દ્વારા ભવ્ય અને પરંપરાગત અન્નકૂટ દર્શન રજૂ કરવામાં આવ્યાં હતાં. 

 

આ પ્રસંગે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની સમૃદ્ધ આધ્યાત્મિક,ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું બ્રિટિશ સંસદના ઐતિહાસિક પરિસરમાં ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

 

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા આયોજિત આ વિશેષ દિવાળી સમારોહમાં બ્રિટનના રાજકીય અગ્રણીઓ,સંસદસભ્યો,હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો,સ્થાનિક પદાધિકારીઓ તેમજ હિન્દુ સમાજના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી સાથે બ્રિટિશ સમાજમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવાનો આ અવસર બન્યો હતો.

 

આ પ્રસંગે બ્રિટિશ સંસદના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા જેમા બોબ બ્લેકમેન MP, CBE,રાઇટ ઓનરેબલ કેમી બેડનોક MP – બ્રિટિશ સંસદનાં વિપક્ષનાં નેતા,નવેન્દુ મિશ્રા MP,લોર્ડ નવનીત ધોળકિયા OBE,લોર્ડ ડોલર પોપટ,લોર્ડ ક્રિશ રાવલ,લોર્ડ રૂક,કાઉન્સિલર યોગેશ તેલી (હેરોના મેયર),મેથ્યુ ગુડવિન (ફ્રીમેન ઓફ ધ લંડન બરો ઓફ હેરો)ની ઉપસ્થિતિએ સમારોહનું મહત્વ વધાર્યું હતું અને બ્રિટનના હિન્દુ સમાજ તથા સંસદીય અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને ઉજાગર કર્યા હતા.

 

સમારોહનું વિશેષ આકર્ષણ વડતાલ ધામ યુ.કે.દ્વારા રજૂ કરવામાં આવેલ ભવ્ય અન્નકૂટ દર્શન રહ્યું હતું જેમા ભારતીય સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન અને પવિત્ર ભક્તિ પરંપરાનું પ્રતિબિંબ દર્શાવતા આ અન્નકૂટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા,ભક્તિ અને સમર્પણભાવનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી વડતાલના પુ.૧૦૦૮ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજનાં આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ વડતાલ ધામ યુકે દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ અને પ્રસાદથી સુશોભિત ભવ્ય અન્નકૂટ રજૂ કરવામાં આવ્યો હતો.

 

મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વૈષ્ણવી સનાતન ધર્મની ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધનનાથજી પાસે કરેલ અન્નકૂટની પેઢી દર પેઢી જળવાઈ રહેલી આ પવિત્ર પરંપરાનું બ્રિટિશ સંસદ જેવા ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સ્થળે પ્રદર્શન થવું એ સમગ્ર સત્સંગ સમાજ માટે ગૌરવની બાબત બની હતી.

 

આ પ્રસંગ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતાં બ્રિટનમાં વસતા હિન્દુ સમાજની એકતા, સાંસ્કૃતિક ઓળખ, ધાર્મિક મૂલ્યો અને સામાજિક યોગદાનનું પ્રતીક બન્યો હતો બ્રિટનમાં વસતા ભારતીય મૂળના પરિવારો અને તેમની નવી પેઢી સુધી હિન્દુ ધર્મની પવિત્ર પરંપરાઓ પહોંચાડવા તેમજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા વડતાલ ધામ યુ.કે.સતત પ્રયત્નશીલ રહે છે.

 

આ વિશેષ પ્રસંગે વડતાલ ધામ યુકે દ્વારા હિન્દુ ફોરમ ઓફ બ્રિટનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સંસદના ઐતિહાસિક પરિસરમાં અન્નકૂટની પવિત્ર પરંપરા રજૂ કરવાની તક મળવી એ મંદિર અને સમગ્ર સત્સંગ સમાજ અને સનાતનીઓ માટે યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી હતી.

 

આ સમારોહ દ્વારા ધર્મ, ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક સૌહાર્દનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. સાથે જ આવનારી પેઢીઓ માટે હિન્દુ ધર્મની શાશ્વત પરંપરાઓ અને આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.

(10:52 PM IST)