<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી : ઈરાનને કડક ચેતવણી

સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે બંને દેશો વચ્‍ચે તણાવ સતત વધી રહ્યો છે

વોશીંગ્‍ટન તા.૫: યુએસ અને ઈરાન વચ્‍ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે, પરંતુ સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે બંને દેશો વચ્‍ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં યુએસ સશષા દળોએ હુમલો કરીને ઈરાનની છ નાની બોટનો નાશ કર્યો હતો.  યુએસ સશષ દળોએ જણાવ્‍યું કે તેમણે ઈરાનની ક્રુઝ મિસાઇલો અને ડ્રોનને પણ તોડી પાડ્‍યા હતાં.

યુએસ સશષા દળોએ જણાવ્‍યું કે સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે શિપિગ ફરી શરુ કરવાના નવા યુએસ નેવીના પ્રયસોને ઈરાનની બોટ્‍સ નિષ્‍ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, જેને કારણે આ હુમલા કરવામાં આવ્‍યા હતાં. અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ‘પ્રોજેક્‍ટ ફ્રીડમ' નામનું આ ઓપરેશન શરૂ કરાવ્‍યું હતું.

સોમવારે ઈરાને યુએઈ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતાં, આ હુમલાને કારણે ૮ એપ્રિલથી લાગુ થયેલો યુદ્ધવિરામ અમલમાં રહેશે કે નહીં એ અંગે યુએસએ સ્‍પષ્ટતા કરી ન હતી.  સેન્‍ટ્રલ કમાન્‍ડના વડા, યુએસ એડમિરલ બ્રેડ કૂપરને પુછવામાં આવતા કોઈ ટીપ્‍પણી કરવાની મનાઈ કરી હતી. પરંતુ તેમણે જણાવ્‍યું કે ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ ટ્રમ્‍પના ઓપરેશનમાં દખલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. 

એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્‍યું, અમે જે જહાજોનું રક્ષણ કરી રહ્યા છીએ તેના પર IRGC એ ક્રુઝ મિસાઇલો, ડ્રોન અને નાની બોટ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

કૂપરે ચેતવણી આપતા કહ્યું કે યુએસ આ ઓપરેશન શરૂ કરી રહ્યું છે, ત્‍યારે ઈરાની સેના યુએસ લશ્‍કરી સંપત્તિથી દૂર રહે. તેમણે જણાવ્‍યું કે ૧૫,૦૦૦ યુએસ સૈનિકો, યુએસ નેવી ડિસ્‍ટ્રોયર્સ, ૧૦૦ થી વિમાનો અને સબમરીન તૈનાત છે.

સોમવારે સ્‍ટ્રેટ ઓફ હોર્મુઝમાં દક્ષિણ કોરિયાના એક જહાજ પર પણ વિસ્‍ફોટ થયો હતો, પરંતુ યુએસ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પોસ્‍ટ પર ટિપ્‍પણી કરી હતી કે દક્ષિણ કોરિયાનું જહાજ આ ઓપરેશનનો ભાગ નથી. ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે યુએસએ ઈરાનની સાત ફાસ્‍ટ બોટ ડૂબાડી દીધી હતી.

(3:15 PM IST)