<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

યુરેનિયમ ભંડાર પર અટકયો અમેરિકા-ઈરાન પરમાણુ વાટાઘાટો: મધ્ય પૂર્વમાં ફરી લશ્કરી મુકાબલાનું જોખમ વધ્યું!

યુરેનિયમ દૂર કરવાની અમેરિકાની માંગ સામે ઈરાનનો ઇનકાર : માત્ર કામચલાઉ તણાવ ઘટાડવા નહીં પરંતુ લાંબા ગાળાના અને માનનીય કરારની શરત સાથે તેહરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો આપ્યો સંકેત

તેહરાન :  પશ્ચિમ એશિયામાં ફરી એકવાર લશ્કરી સંઘર્ષના વાદળો ઘેરાવા લાગ્યા છે, કારણ કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને સમૃદ્ધ યુરેનિયમ ભંડારને લઈને અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ફરી અટકી પડી છે. અહેવાલો અનુસાર, અમેરિકા ઈરાન પાસેથી તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને દૂર કરવા અને ભવિષ્યમાં ફરીથી યુરેનિયમ સંવર્ધન શરૂ નહીં કરવા અંગે સ્પષ્ટ રોડમેપ તેમજ લેખિત ખાતરીની માંગ કરી રહ્યું છે, પરંતુ ઈરાને આ શરતો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. મધ્યસ્થીઓ દ્વારા મતભેદો ઉકેલવા માટે અનેક દરખાસ્તો રજૂ કરવામાં આવી હોવા છતાં બંને દેશો પોતપોતાના વલણ પર અડગ રહેતા મંત્રણા આગળ વધી શકી નથી, જેના કારણે ક્ષેત્રમાં ફરી સૈન્ય મુકાબલો થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમનો દેશ માત્ર વર્તમાન રાજદ્વારી ગતિરોધમાંથી બહાર નીકળવા કે કામચલાઉ તણાવ ઘટાડવા માટે કોઈ સમાધાન કરશે નહીં. જૂન મહિનામાં થયેલા યુદ્ધવિરામના માત્ર ૧૫ દિવસમાં જ ફરી લડાઈ શરૂ થઈ હોવાનો ઉલ્લેખ કરતાં અરાઘચીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો બે મહિના પછી કરારનું ઉલ્લંઘન થાય અને યુદ્ધ ફરી ફાટી નીકળે તો આજે હસ્તાક્ષર કરવાનો શો અર્થ રહે? તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન 'ન તો યુદ્ધ કે ન તો શાંતિ'ની અનિશ્ચિત સ્થિતિમાં રહેવા માંગતું નથી અને માત્ર એવા લાંબા ગાળાના કરાર માટે જ તૈયાર થશે જે ઈરાનના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરે અને ભવિષ્યમાં સૈન્ય સંઘર્ષ ન થવાની નક્કર ખાતરી આપે.

સમૃદ્ધ યુરેનિયમ અંગે તેહરાનનું વલણ સ્પષ્ટ કરતાં વિદેશ મંત્રીએ જણાવ્યું કે ૬૦ ટકા સુધી સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર ચર્ચા થઈ શકે છે, પરંતુ ઈરાન આ સામગ્રીને દેશની બહાર મોકલવાના પક્ષમાં નથી. હાલ કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા બંને દેશો વચ્ચે સંદેશાઓ અને દરખાસ્તોની આપ-લે ચાલી રહી છે, અને અરાઘચીએ રાજદ્વારી ઉકેલ અંગે આશા વ્યક્ત કરી છે. સાથોસાથ તેમણે મહત્વનો સંકેત આપ્યો છે કે જો અમેરિકા ઈરાનની સુરક્ષા અને પ્રતિબંધો સંબંધિત શરતો પૂર્ણ કરે, તો તેહરાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવી હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે પણ તૈયાર છે.

(7:18 PM IST)