News of Monday, 16th November 2026
યુપી મિશન ૨૦૨૭: અખિલેશ યાદવ સાથે બેઠક વહેંચણીની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં : કોંગ્રેસની મોટી રણનીતિ તૈયાર
યુપી વિધાનસભા ચૂંટણી માટે I.N.D.I.A. ગઠબંધનમાં બેઠકોના તાલમેલની કવાયત તેજ; દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી : જ્યારે અખિલેશ યાદવે આપ્યા ૧૮૧ બેઠકોની માંગના સંકેત

નવી દિલ્હી: કોંગ્રેસ હાઈકમાન્ડે ૨૦૨૭ ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી (સપા) સાથે બેઠક વહેંચણીની વાટાઘાટોનું નેતૃત્વ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી પ્રિયંકા ગાંધી વાડ્રાને સોંપી છે. ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવા માટે દિલ્હીના ૧૦, રાજાજી માર્ગ ખાતે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. અહેવાલો અનુસાર, આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ રાજ્યના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ તેમજ કાર્યકારી પ્રમુખ અને સાંસદ ઇમરાન મસૂદને ગઠબંધનના સાથી પક્ષો અંગે મીડિયા સમક્ષ કોઈ પણ બિનજરૂરી નિવેદનબાજી ન કરવા કડક સૂચના આપી છે, જેથી ગઠબંધનમાં કોઈ ખટાશ ઊભી ન થાય.
બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે I.N.D.I.A. ગઠબંધન એકજૂથ છે અને આગામી ચૂંટણી સાથે મળીને લડશે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે હાલમાં બેઠક વહેંચણી અંગે કોઈ ઔપચારિક ચર્ચા શરૂ થઈ નથી, પરંતુ ગઠબંધનની રણનીતિ પરસ્પર સન્માન અને ઉમેદવારોની જીતવાની ક્ષમતા પર આધારિત રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને પક્ષો એકબીજાનો આદર કરીને બેઠકોનું યોગ્ય સંકલન કરશે અને દરેક બેઠક પર સૌથી મજબૂત ઉમેદવારને જ મેદાનમાં ઉતારવામાં આવશે.
બેઠકોની સંખ્યાને લઈને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો વચ્ચે અખિલેશ યાદવે અગાઉ દિલ્હીમાં આયોજિત હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં મોટો સંકેત આપ્યો હતો. અહેવાલો મુજબ, કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં અંદાજે ૧૮૧ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સમિટ દરમિયાન જ્યારે અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ ૧૦૦ બેઠકો માંગી રહી છે, ત્યારે તેમણે કહ્યું હતું કે માંગ તેનાથી વધુ છે; અને જ્યારે ૨૦૦ બેઠકો અંગે સવાલ કરાયો ત્યારે તેમણે 'તેનાથી થોડી ઓછી' હોવાનું જણાવીને રાજકીય ગરમાવો વધારી દીધો હતો. હવે પ્રિયંકા ગાંધીની સક્રિય ભૂમિકા બાદ બંને પક્ષો વચ્ચે બેઠકોની અંતિમ ફોર્મ્યુલા કેવી રીતે નક્કી થાય છે તેના પર સૌની નજર ટકી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
