News of Monday, 6th July 2026
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બેફામ ગતિ સામે સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી: બાળકોની સુરક્ષા માટે વૈશ્વિક કાયદાઓ અનિવાર્ય, યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની લાલબત્તી
ટેકનોલોજીના આંધળા દોટ સામે માનવીય નિયંત્રણ ગુમાવવાનો ખતરો: બાળકો માટે 'એઆઈ સેફટી પ્લેજ'નો અમલ કરવા ટેક કંપનીઓને કડક આદેશની હિમાયત

જિનીવા:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના ક્ષેત્રમાં થઈ રહેલા તોતિંગ વિકાસ અને તેની બેફામ ગતિ અંગે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જિનીવા ખાતે આયોજિત સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ વૈશ્વિક સંવાદમાં ગુટેરેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, AI ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધી રહી છે કે સરકારો અને માનવ સમાજ તેની ગતિને સમજવા કે તેને નિયંત્રિત કરવામાં પાછળ રહી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો હવે સમયસર વૈશ્વિક સ્તરે સમાન નિયમો નહીં ઘડવામાં આવે, તો માનવતા આ ટેકનોલોજીના નિયંત્રણમાં આવી જશે.
બાળકો માટે અસુરક્ષિત AI મોડેલ્સ પર મહાસચિવની લાલબત્તી
ગુટેરેસે ખાસ કરીને બાળકોની સુરક્ષાના મુદ્દે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે દુનિયાભરની ટેક કંપનીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આપણે એક રમકડું કે દવા બાળકો સુધી પહોંચે તે પહેલાં તેની સુરક્ષાની અનેક વખત ચકાસણી કરીએ છીએ, પરંતુ AI જેવી શક્તિશાળી અને જોખમી ટેકનોલોજી બાળકોના શિક્ષણ, મિત્રતા અને તેમની ખાનગી વાતો સુધી પહોંચી ગઈ છે, તે પહેલાં કોઈએ વિચાર્યું પણ નથી કે તેની બાળકો પર શું અસર પડશે.
તેમણે 'એઆઈ ચાઈલ્ડ સેફટી પ્લેજ' (AI Child Safety Pledge) અપનાવવાની હાકલ કરી છે, જે અંતર્ગત કોઈપણ કંપની બાળકો માટે ઉપલબ્ધ હોય તેવું AI મોડેલ ત્યારે જ રજૂ કરી શકે જ્યારે તે સાબિત કરે કે તે સંપૂર્ણ સુરક્ષિત છે. આ નિયમોમાં એવી શરતો હોવી જોઈએ કે:
કોઈપણ AI સિસ્ટમ બાળકો માટેના જાતીય શોષણયુક્ત ઈમેજ જનરેટ ન કરી શકે.
જ્યારે બાળક માનસિક તણાવ કે મુશ્કેલીમાં હોય, ત્યારે AI સિસ્ટમે તરત જ કામ કરવાનું બંધ કરી તેને માનવીય મદદ સાથે જોડવું જોઈએ.
બાળકોને AIના પ્રયોગો માટે 'ગિની પિગ' (પરીક્ષણના સાધન) બનાવવાનું બંધ કરવું જોઈએ.
માનવતા સામે જોખમ અને નિયંત્રણની જરૂરિયાત
ગુટેરેસે જણાવ્યું હતું કે, દુનિયાની વર્તમાન સંસ્થાઓ એવી મશીનરી માટે તૈયાર કરવામાં આવી હતી જે માત્ર સૂચનાઓનું પાલન કરે, પરંતુ આજના AI મશીનો જાતે નિર્ણયો લેવા સક્ષમ છે, જે માનવતા માટે જોખમી બની શકે છે. ઈન્ટરનેટને એક અબજ લોકો સુધી પહોંચતા ૧૫ વર્ષ લાગ્યા હતા, જ્યારે AI માત્ર બે વર્ષમાં આ આંકડો વટાવી ગયું છે, જે તેની ઝડપનો પુરાવો છે.
વધુમાં, તેમણે સૈન્ય ક્ષેત્રમાં AIના ઉપયોગ અને ખાસ કરીને 'કિલર રોબોટ્સ' (સ્વાયત્ત હથિયારો) અંગે ચેતવણી આપતા જણાવ્યું કે, મશીનો દ્વારા મનુષ્યોનો જીવ લેવાનો નિર્ણય લેવો તે નૈતિક રીતે ઘૃણાસ્પદ છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવું જોઈએ. ગુટેરેસે અંતમાં ભારપૂર્વક કહ્યું હતું કે, આ કદાચ છેલ્લી તક છે જ્યારે માનવજાત મશીનો સાથેના સહઅસ્તિત્વની શરતો નક્કી કરી શકે તેમ છે. આ માટે ટેકનોલોજી પર માનવીય અંકુશ અને પારદર્શક વૈશ્વિક નિયમનકારી માળખાની તાતી જરૂરિયાત છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
