તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 9th September 2026
રસ્તાના ખાડાથી કંટાળેલી મહિલા કોર્પોરેટરોનો અનોખો વિરોધ: કેડીએમસીના એન્જિનિયરને ફાટેલી શાલ ઓઢાડી કર્યું 'અનોખું સન્માન'!
કલ્યાણ-ડોંબિવલીમાં ગણેશોત્સવ પહેલાં ખાડામુક્ત રસ્તાઓની માગણી સાથે ઠાકરે જૂથના કોર્પોરેટરોનો કટાક્ષ; રસ્તા સારા બનશે તો નવી શાલ ભેટ આપવાની અધિકારીને આપી ખાતરી

મુંબઈ, તા. ૦૯: મહારાષ્ટ્રના થાણે જિલ્લા સ્થિત કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) માં રસ્તા પરના મોટા મોટા ખાડાઓ અને તંત્રની લાપરવાહીથી કંટાળેલી મહિલા કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કરવાનો એક અત્યંત વિચિત્ર અને કટાક્ષપૂર્ણ રસ્તો અપનાવ્યો છે. રામબાગ વિસ્તારના ખરાબ રસ્તાઓથી પરેશાન બે મહિલા કોર્પોરેટરોએ મ્યુનિસિપલ ડેપ્યુટી એન્જિનિયરની ઓફિસે પહોંચીને તેમને ફાટેલી શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ખાડાવાળા રસ્તાના પ્રતીક રૂપે ઓઢાડી ફાટેલી શાલ:
મળેલી માહિતી મુજબ, કલ્યાણ પશ્ચિમના રામબાગ નંબર ૪ અને કોર્પોરેટર કચેરીઓની બિલકુલ સામે જ રસ્તાઓની હાલત અતિશય બિસ્માર બની ગઈ છે. સ્થાનિક કોર્પોરેટરો સ્વપ્નાલી કેણે અને અપર્ણા ભોઈરે અસંખ્ય ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં ડેપ્યુટી એન્જિનિયર રાજપૂતની ઓફિસે ધસી ગયા હતા. તેમણે ખાડાવાળા રસ્તાઓના પ્રતીક રૂપે અધિકારીને ફાટેલી શાલ ઓઢાડી હતી. તેમણે તીખો કટાક્ષ કરતા કહ્યું કે, "જ્યારે તમે રસ્તાઓ ખાડામુક્ત બનાવી દેશો ત્યારે સુંદર નવી શાલથી તમારું સન્માન કરીશું, પરંતુ અત્યારે તો તમારે આ ફાટેલી શાલથી જ ચલાવવું પડશે."
માત્ર બે જ દિવસમાં રસ્તાના કામના ધજાગરા ઉડ્યા:
મહિલા કોર્પોરેટરોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પાલિકા તંત્ર દ્વારા માત્ર બે દિવસ પહેલાં જ સમારકામ કરવામાં આવેલા રસ્તાઓ પર ફરીથી મોટા ખાડા પડી ગયા છે, જે હલકી ગુણવત્તાના કામનો પુરાવો છે. આગામી ગણેશોત્સવ નજીક આવી રહ્યો હોવાથી શ્રદ્ધાળુઓ અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તહેવાર પહેલાં તમામ રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવાની માગ કરવામાં આવી છે.
ઉગ્ર આંદોલનની અપાઈ ચેતવણી:
મહિલા કોર્પોરેટરોએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ગણેશોત્સવ પૂર્વે રસ્તાના ખાડા પૂરવામાં નહીં આવે અને કામ ગુણવત્તાસભર નહીં થાય તો શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથ દ્વારા પાલિકા સામે આક્રમક અને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
