News of Friday, 3rd July 2026
અમેરીકામાં બેરોજગારી ફાટી નીકળી! ટ્રમ્પની નીતિઓ નડી
આર્થિક મોરચે ‘સુપરપાવર' ઘૂંટણિયે : ટેરિફ યુદ્ધ અને AIના કારણે આઈટી ક્ષેત્રમાં છટણીનો દોર યથાવત રહેતાં મધ્યમવર્ગીય અમેરિકનોની ચિંતા વધી

વોશિંગ્ટન, તા.૩: વિશ્વના સૌથી શક્તિશાળી અર્થતંત્ર ગણાતા અમેરિકા પર અત્યારે આર્થિક મંદી અને બેરોજગારીના કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓ અને આયાત ટેરિફના આકરા નિર્ણયો હવે તેમના પોતાના જ દેશ માટે પગ પર કુહાડી મારવા સમાન સાબિત થઈ રહ્યા છે. તાજેતરના સત્તાવાર આંકડા મુજબ, જૂન ૨૦૨૬ દરમિયાન સમગ્ર અમેરિકામાં માંડ ૫૭,૦૦૦ નવી નોકરીઓનું સર્જન થઈ શકયું છે, જે બજારની અપેક્ષાઓ અને અગાઉના મહિનાઓ કરતાં અડધાથી પણ ઓછી છે. આ આંચકાજનક ડેટાએ સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકન કોર્પોરેટ જગત અત્યારે ભવિષ્યની આર્થિક અસ્થિરતાને જોઈને નવી ભરતીઓ કરતા ફફડી રહ્યું છે.
આ આર્થિક કટોકટીની સૌથી કપરી અસર શ્રમબળ (લેબર ફોર્સ) પર જોવા મળી રહી છે, જ્યાં લોકોનો રોજગાર પ્રત્યેનો ઉત્સાહ મરી પરવાર્યો છે. જો કે, સરકારી ચોપડે બેરોજગારીનો દર ૪.૩% થી ઘટીને ૪.૨% નોંધાયો છે, પણ આ આંકડો વાસ્તવિક ચિત્ર છુપાવનારી એક માયાવી જાળ છે. હકીકતમાં, લાંબા સમયથી નોકરી શોધીને થાકેલા લાખો અમેરિકનોએ હવે નિરાશ થઈને કામની શોધ જ બંધ કરી દીધી છે, જેના કારણે શ્રમ બળ ભાગીદારી દર પાછલા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે એટલે કે ૬૧.૫ ટકા પર આવી ગયો છે. વિરોધ પક્ષો આ મુદ્દાને લઈને ટ્રમ્પ વહીવટીતંત્રની આર્થિક વ્યૂહરચના અને અણઘડ નિર્ણયો પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
બીજી તરફ, ટેકનોલોજીના ગઢ ગણાતા સિલિકોન વેલીમાં હાહાકાર મચેલો છે. મેટા અને માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળ અંધાધૂંધ પાણીની જેમ પૈસા વહાવી રહી છે અને આ ખર્ચને સરભર કરવા માટે સામાન્ય કર્મચારીઓ પર છટણીની કુહાડી ફેરવી રહી છે. પાછલા દોઢ વર્ષમાં આ ૧૭મી વખત બન્યું છે જ્યારે આઈટી ક્ષેત્રમાં રોજગારીનો ગ્રાફ ચિંતાજનક રીતે નીચે ખાબકયો હોય. આ નબળા ડેટાના કારણે હવે અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વ પર પણ વ્યાજ દરો મામલે દબાણ વધી ગયું છે, જે આગામી સમયમાં વૈશ્વિક શેરબજારો માટે પણ મોટા ભૂકંપના સંકેતો આપી રહ્યું છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
