News of Wednesday, 22nd July 2026
પત્નીના અવસાનનો આઘાત સહન ન કરી શક્યો:અંતિમવિધિમાં પત્નીને સેંથો પૂરતી વખતે પતિને જોરદાર હાર્ટ એટેક આવતા સ્થળ પર જ મોત
એક જ પરિવારમાં પતિ-પત્નીના કરૂણ મોતથી ઘરમાં બે અર્થીઓ એકસાથે ઊઠી જેનાથી સમગ્ર ગામમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઈ ગઈ

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના દિબિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મધવાપુર ગામમાંથી એક અત્યંત કરૂણ અને દિલ ધડકાવી દેનારી ઘટના સામે આવી છે. ટીબીની બીમારીથી પીડાતી પત્નીના અવસાનનો આઘાત પતિ સહન ન કરી શક્યો. પત્નીની અંતિમ યાત્રા પહેલાં અંતિમ વાર તેની સેંથો પૂરતી વખતે જ પતિને જોરદાર હાર્ટ એટેક આવ્યો હતો અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.
એક જ પરિવારમાં પતિ-પત્નીના કરૂણ મોતથી ઘરમાં બે અર્થીઓ એકસાથે ઊઠી હતી, જેનાથી સમગ્ર ગામમાં અરેરાટી સાથે શોકની લાગણીછવાઈ ગઈ છે.
મધવાપુર ગામના રહેવાસી 35 વર્ષીય પિંકીબેન છેલ્લા 14 વર્ષથી ટીબીની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની સારવાર કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. સોમવારની સાંજે તેમની તબિયત અચાનક વધુ બગડતાં તેમનું નિધન થયું હતું. પત્નીના અવસાનથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને મંગળવારની સવારે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
પરિજનોના જણાવ્યા અનુસાર, સવારે અંતિમ વિદાયની રસ્મો નિભાવવામાં આવી રહી હતી. પત્નીના મૃતેદહની માંગમાં છેલ્લી વાર સીંદૂર ભરતી વખતે પતિ શ્યામલ દાસની તબિયત અચાનક લથડી હતી. ત્યાં હાજર લોકો તેમને સંભાળે તે પહેલા જ તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. તબીબી સારવાર મળે તે પહેલા જ તેમણે પણ દમ તોડી દીધો હતો. પત્નીના વિયોગમાં પતિના પણ પ્રાણપંખેરૂ ઊડી જતાં ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ગામલોકોના જણાવ્યા મુજબ, પત્નીના અવસાન બાદ શ્યામલ દાસ આખી રાત ભારે આઘાતમાં હતા. આ દંપતીના અવસાન બાદ હવે તેમના બે નાના બાળકો અનાથ થઈ ગયા છે, જેમાં એક બાળકની ઉંમર 9 વર્ષ અને બીજાની 7 વર્ષ છે. માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી દેતાં આ બે માસૂમ બાળકોના પાલનપોષણ અને ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.
એક જ પરિવારમાંથી એકસાથે બે સભ્યોની અંતિમ યાત્રા નીકળતાં આખા વિસ્તારમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ગામના લોકોએ પ્રશાસન અને સરકાર પાસે માંગ કરી છે કે આ બંને અનાથ બાળકોને સરકારી યોજનાઓનો લાભ આપીને આર્થિક સહાય તથા શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
