News of Tuesday, 30th June 2026
દુબઈમાં બર્થડે ટ્રીપ દરમિયાન ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીન હોસ્પિટલમાં દાખલ : 'ટર્મિનલ ઇલાઇટિસ' અને ગંભીર ઇન્ફેક્શનનો શિકાર
બોયફ્રેન્ડ અલી ગોનીએ શેર કર્યો હેલ્થ અપડેટ: "બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા હતા, પણ હોસ્પિટલ રૂમમાં સમય વીતાવવો પડ્યો", જેસ્મિને વ્હીલચેરમાં બેસી કાપી કેક, ફેન્સ-સેલેબ્સની ઝડપી રિકવરી માટે પ્રાર્થના

મુંબઈ, તા. 30 : ટીવી એક્ટ્રેસ જેસ્મિન ભસીન તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે 28 જૂનનો 36મો બર્થડે સેલિબ્રેટ કરવા દુબઈ ગઈ હતી, પરંતુ ટ્રીપ દરમિયાન અચાનક ગંભીર રીતે બીમાર પડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
'ખતરો કે ખિલાડી 15'નું શૂટિંગ પૂરું કરીને કેપ ટાઉનથી પરત ફરેલી જેસ્મિન દુબઈ લેન્ડ થયાના બીજા જ દિવસે બીમાર પડી હતી. અલી ગોનીએ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી જણાવ્યું કે, "અમે અહીં તારો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા હતા, પણ જિંદગીએ બીજો જ પ્લાન બનાવ્યો હતો. બર્થડે મેમરી બનાવવાને બદલે અમે હોસ્પિટલ રૂમમાં છીએ. તને દુખાવામાં જોવી એ આ ટ્રીપનો સૌથી મુશ્કેલ ભાગ હતો".
અલીએ હોસ્પિટલમાંથી ફોટો પણ શેર કર્યા હતા જેમાં જેસ્મિન બેડ પર આરામ કરતી વખતે તેને ગળે લગાવી રહ્યો છે અને બીજા ફોટોમાં તે વ્હીલચેરમાં બેઠી કેક કાપતી જોવા મળી હતી. જેસ્મિને પોતે ઇન્સ્ટાગ્રામ પર અપડેટ આપતા જણાવ્યું કે તેને 'ટર્મિનલ ઇલાઇટિસ' અને 'હાઈ રિસ્ક ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશન' થયું હતું. ટર્મિનલ ઇલાઇટિસ એટલે નાના આંતરડાના છેલ્લા ભાગમાં સોજો આવવો, જેમાં પેટના નીચે જમણા ભાગમાં દુખાવો, ક્રેમ્પિંગ, ઝાડા અને ક્યારેક લોહીવાળા ઝાડા થાય છે.
અલીએ સ્ટોરીમાં જણાવ્યું કે "છેલ્લા થોડા દિવસ ખૂબ મુશ્કેલ અને ભાવુક રહ્યા, તેને બેસ્ટ કેર મળી રહી છે અને તે ધીમે ધીમે રિકવર થઈ રહી છે". રૂબીના દિલૈક, રીમ શેખ, અર્જિત તનેજા સહિતના સેલેબ્સ અને ફેન્સે ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી છે. જેસ્મિન અને અલી 2020થી રિલેશનશિપમાં છે અને 'બિગ બોસ 14' દરમિયાન નજીક આવ્યા હતા.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
