<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

દક્ષિણ મુંબઈમાં તુકારામ મુંઢેની મોટી ધાક: ખાદ્ય સુરક્ષાના ધજાગરા ઉડાવતા પ્રસિદ્ધ ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઈસન્સ સસ્પેન્ડ!

રસોડામાં વંદા, ગંદુ પાણી અને સ્ટોરેજ એરિયામાં યુરિનલ મળતા FDA લાલઘૂમ: રાજ્યભરમાં ૨૭માંથી ૧૪ ખાદ્ય પ્રતિષ્ઠાનો સામે આકરા પગલાં

મુંબઈ : ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના વડા આઈએઈએસ તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ગંદકી અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરતી હોટેલો સામે મોટું કડક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા અત્યંત લોકપ્રિય અને ઐતિહાસિક ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’માં ગંભીર અનિયમિતતાઓ અને અસ્વચ્છતા સામે આવતા તેનું ફૂડ લાઈસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

 

એક ગ્રાહકની ફરિયાદના આધારે એફડીએની ટીમે જ્યારે ઓલિમ્પિયા કોફી હાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. તપાસ દરમિયાન ફૂડ સ્ટોરેજ એરિયાની બિલકુલ બાજુમાં યુરિનલ (પિશાબઘર) જોવા મળ્યું હતું. આ સિવાય કિચનમાં મોટી સંખ્યામાં માખીઓ, વંદાઓ, ગંદા પાણીનો ઉપયોગ, જમીન પર ખુલ્લો ખોરાક રાખવો અને રેફ્રિજરેટરમાં માંસ તથા લોહીના અવશેષો શાકાહારી સામગ્રી સાથે ભેગા મળી આવ્યા હતા. એટલું જ નહીં, રસોડાના ૩૫માંથી ૩૪ કર્મચારીઓ પાસે ફરજિયાત ફૂડ સેફ્ટી ટ્રેનિંગનું સર્ટિફિકેટ પણ નહોતું.

 

સરકારી હોસ્પિટલની કેન્ટીન અને અન્ય ચર્ચિત હોટેલો પર પણ ત્રાટકી ટીમ

 

તુકારામ મુંઢેના કડક વલણને કારણે આ તપામ અભિયાનમાં કોઈને પણ બક્ષવામાં આવ્યા નથી. મુંબઈ સેન્ટ્રલ સ્થિત બીએમસી (BMC) સંચાલિત મુખ્ય સરકારી હોસ્પિટલની કેન્ટીનમાં પણ અસ્વચ્છતા જોવા મળતા તેનું લાઈસન્સ તાત્કાલિક રદ કરાયું છે.

 

એફડીએ દ્વારા રાજ્યભરમાં ચેક કરવામાં આવેલા ૨૭ માંથી ૧૪ ખાદ્ય પ્રતિષ્ઠાનોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં મુંબઈના ચેમ્બુર, ઘાટકોપર, વરલી, મલાડ ઈસ્ટ અને ખારઘર સિવાય પુણેની ૪ અને નાગપુરની ૨ જાણીતી રેસ્ટોરાંનો સમાવેશ થાય છે. આ આકરી કાર્યવાહીથી હોટેલ માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(8:18 PM IST)