News of Monday, 25th May 2026
ટ્રમ્પનો યુ-ટર્ન: પરમાણુ વિવાદ પડતો મૂકી અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન સામે નરમ પડ્યું
વૈશ્વિક ઇંધણ સંકટ અને મધ્યસત્ર ચૂંટણીના દબાણ વચ્ચે યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પરની કડક માંગણીઓ હળવી કરી કામચલાઉ સમજૂતીનો માર્ગ પકડ્યો: હવે ખામેનેઈની આખરી મંજૂરીની રાહ

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલીમાં એક મોટો વળાંક આવ્યો છે. માત્ર ૧૧ અઠવાડિયા પહેલા જ ઈરાન સમક્ષ "બિનશરતી શરણાગતિ" અને તેના પરમાણુ તેમજ બેલિસ્ટિક મિસાઈલ પ્રોજેક્ટ્સને સંપૂર્ણપણે બંધ કરવાની કડક માંગણી કરનારા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નોંધપાત્ર રીતે પાછળ હટ્યા છે. પાકિસ્તાનની મધ્યસ્થતાથી ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકાએ પોતાની શરતો નરમ કરી દીધી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ શાંતિ વાટાઘાટોમાં હાલ પૂરતો પરમાણુ ખતરો કે મિસાઈલ પ્રોગ્રામ ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ માત્ર વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) દરિયાઈ પટ્ટીને ફરીથી ખોલવા પર જ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ સંભવિત કરારને ટ્રમ્પ ભલે "ક્રાંતિકારી" ગણાવી રહ્યા હોય, પરંતુ રાજદ્વારી નિષ્ણાતો તેને અમેરિકાની એક મોટી પીછેહઠ તરીકે જોઈ રહ્યા છે. આ સમજૂતી મુજબ, ઈરાન જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી વ્યાપારી જહાજોની અવરજવર ફરી મુક્ત કરે, તો બદલામાં અમેરિકા તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં મોટી રાહત આપશે. આ કોઈ કાયમી શાંતિ કરાર નથી પરંતુ વર્તમાન સંકટમાંથી બહાર નીકળવાનો એક કામચલાઉ રસ્તો છે, જેને ઈરાનના નવા નિયુક્ત સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની લીલી ઝંડી મળ્યા બાદ બંને પક્ષો સત્તાવાર આખરી ઓપ આપશે તેવા અહેવાલો છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આ વલણ પાછળ અમેરિકાની આંતરિક પરિસ્થિતિ મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. હાલમાં અમેરિકામાં પેટ્રોલના ભાવ પ્રતિ ગેલન $૪.૫૦ ની નજીક પહોંચી ગયા છે, જેનાથી સામાન્ય જનતામાં ભારે અસંતોષ છે. આગામી નવેમ્બર મહિનામાં અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ યોજાવાની છે, અને સર્વેક્ષણો દર્શાવે છે કે મોટાભાગના અમેરિકન નાગરિકો તેમજ ખુદ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સભ્યો પણ ઈરાન સાથેના સીધા યુદ્ધની વિરુદ્ધમાં છે. આ સંજોગોમાં પોતાની રાજકીય વિશ્વસનીયતા બચાવવા અને ઇંધણના ભાવો અંકુશમાં લાવવા ટ્રમ્પ આ સમજૂતી માટે આતુર બન્યા છે. બીજી તરફ, આ કટોકટી ટળવાથી ઈરાનને પણ મોટો આર્થિક ઓક્સિજન મળશે અને પતનની આરે પહોંચેલી તેની અર્થવ્યવસ્થા તેલની નિકાસ ફરી શરૂ થતાં પુનર્જીવિત થઈ શકશે, જે સમગ્ર વિશ્વને પણ સંભવિત યુદ્ધ અને મોટા ઉર્જા સંકટમાંથી મુક્તિ આપશે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
