તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 11th November 2026
અમેરિકાની અદાલતમાં ટ્રમ્પને મોટી રાહતઃ બીબીસી સામેનો ૧૦ અબજ ડોલરનો માનહાનિ કેસ આગળ ચલાવવા મંજૂરી
ટ્રમ્પના ભાષણના અલગ અલગ ભાગો જોડીને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપઃ બીબીસીની અરજી આંશિક ફગાવાઈ, અંતિમ ચુકાદો બાકી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટનની બીબીસી સમાચાર સંસ્થા વચ્ચે ચાલી રહેલા ૧૦ અબજ ડોલરના માનહાનિ કેસમાં ટ્રમ્પને મહત્વપૂર્ણ કાનૂની રાહત મળી છે. ફ્લોરિડાની ફેડરલ અદાલતે માનહાનિનો કેસ આગળ ચલાવવાની મંજૂરી આપી છે.
ફ્લોરિડાના ફેડરલ ન્યાયાધીશ જેફ્રી કુન્ટ્ઝે ૧૦ નવેમ્બરે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનો જે દાવો કર્યો છે તેની સુનાવણી આગળ વધી શકે છે.
વિવાદ વર્ષ ૨૦૨૪માં રજૂ થયેલી પેનોરમા ડોક્યુમેન્ટરીને લઈને સર્જાયો હતો. તેમાં ટ્રમ્પના ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના ભાષણના જુદા જુદા ભાગોને જોડીને દર્શાવવામાં આવ્યા હતા.
ટ્રમ્પનો આક્ષેપ છે કે આ સંપાદનથી તેમણે પોતાના સમર્થકોને અમેરિકાની સંસદ ઉપર હિંસક હુમલો કરવા પ્રોત્સાહિત કર્યા હોય તેવી ખોટી છાપ ઊભી થઈ હતી.
બીબીસીએ અગાઉ ભાષણના સંપાદનમાં ભૂલ થઈ હોવાનો સ્વીકાર કરીને માફી માગી હતી, પરંતુ માનહાનિ માટે કાનૂની જવાબદારી સ્વીકારી નથી.
અદાલતે બીબીસી સામે ફ્લોરિડાના અયોગ્ય વેપારી વ્યવહારના કાયદા હેઠળ કરવામાં આવેલો અલગ દાવો ફગાવી દીધો છે.
ટ્રમ્પે નિર્ણયને મોટી જીત ગણાવી છે. જોકે અદાલતે હજુ બીબીસીને માનહાનિ માટે દોષિત ઠરાવી નથી. હવે ટ્રમ્પે પોતાના આરોપો અને થયેલું નુકસાન પુરવાર કરવાનું રહેશે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
