<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

જયપુરમાં ટ્રકચાલકની બેદરકારીએ ત્રણ બાળકોનો જીવ લીધો :ટ્રક અડફેટે ફૂગ્ગા વેચીને પેટ ભરતા ત્રણ બાળકોના કરુણ મોત

મૃતક ત્રણેય મૃતક બાળકો એક જ પરિવારના: એકસાથે 3 -3 બાળકોના અકાળે મોતથી પરિવાર માટે દુખનો પહાડ તૂટી પડ્યો:સમગ્ર વિસ્તારમાં પણ શોક વ્યાપ્યો

રાજસ્થાનના જયપુરમાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શ્યામ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના 200 ફૂટ બાયપાસ પર એક બેકાબૂ અને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે 3 માસૂમ બાળકોનો ભોગ લીધો છે. રોડના કાંઠે ફૂગ્ગા વેચીને ગુજરાન ચલાવતા 3 નિર્દોષ બાળકોને કચડી નાખતા મોત થયા છે. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે સર્જાયેલી અફરાતફરી અને લોહીયાળ દ્રશ્યોએ સ્થાનિકોને હચમચાવી મૂક્યા છે.

 

જયપુરમાં થયેલા આ માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. મળતી માહિતી મુજબ ટ્રકચાલક ઓવરસ્પીડમાં ડ્રાઈવ કરી રહ્યો હતો. ટ્રકની ગતિ એટલી અનિયંત્રિત હતી કે તેણે લોખંડની રેલિંગ તોડી નાખી હતી. ત્યારબાદ બેકાબૂ બનેલી ટ્રક નાલા પાસે ઉભેલા બાળકો પર ફરી વળી હતી. અકસ્માત બાદ બાળકો નાલામાં ફસાઈ ગયા હતા. ત્રણેય બાળકોનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મરનાર ત્રણેય બાળકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

 

 

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ક્રેન બોલાવીને ટ્રકને ઘટનાસ્થળેથી હટાવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ૨ વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ હાલમાં મૃતકોની ઓળખ કરવા માટેના પ્રયાસો કરી રહી છે. ટ્રક ચાલકની બેદરકારી બદલ પોલીસ તપાસમાં જોતરાઈ છે.

 

 

જયપુરમાં દુર્ઘટનાઓનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. થોડા દિવસ પહેલા જ એક હોટલમાં સીવેજની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. તે અકસ્માતમાં પણ 3 મજૂરોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. વારંવાર બની રહેલી આવી દુર્ઘટનાઓ વહીવટીતંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. માર્ગ સુરક્ષા અને બાંધકામની ગુણવત્તાને લઈને ફરી એકવાર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

(2:02 PM IST)