News of Thursday, 7th May 2026
ભારતથી જમીન માર્ગે નેપાળ જનારા યાત્રીઓને હવે ઓનલાઈન પરમીટ મળશે
વાહનોની પરમીટ માટે સરહદે લાઈનમાં ઉભા રહેવું નહીં પડે : બોર્ડર પર યાત્રીઓને ફક્ત એક ક્યુઆર કોડ બતાવવાનો રહેશે અને કોઇ પણ પ્રકારનાં વિલંબ વગર તે આગળ વધી શકશે

નવી દિલ્હી,તા.૭: જો તમે સડક માર્ગે નેપાળ જવાનું પ્લાન બનાવી રહ્યાં છો તો હવે આ યાત્રા વધુ સરળ થઈ જશે. પ્રાઇવેટ વાહનોથી યાત્રા કરનારા ભારતીય પ્રવાસીઓને હવે વાહનની પરમીટ મેળવવા માટે સરહદે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે.
નેપાળે પોતાના દેશમાં પ્રવેશનારા ભારતીયો વાહનો માટે એક નવી ઓનલાઇન રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરી છે. જેના કારણે યાત્રી ઘરે બેઠા જ પોતાના વાહનની પરમીટ મેળવી શકશે.
આ નિર્ણયથી સમય બચશે, સરહદે ભીડ ઓછી થશે અને સરહદ પર યાત્રા વધુ સરળ બની જશે. જો તમે થોડાક દિવસો માટે કે લાંબા ગાળા માટે નેપાળ જવા માંગતા હોય તો આ નવી સિસ્ટમ નેપાળની રોડ ટ્રિપની સૌથી મોટી મુશ્કેલીઓ પૈકીની એકને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખશે.
અત્યાર સુધી સડક માર્ગે નેપાળમાં પ્રવેશ કરવાવાળા યાત્રીઓને વાહનની અસ્થાયી પરમિટ લેવા માટે કસ્ટમ ચેકપોઈન્ટ પર રોકાવું પડતું હતું. ત્યાં લાંબી લાઈનો હોવાને કારણે કલાકો પછી નંબર આવતો હતો. કેટલીક વખત આ લાંબી લાઈનોને કારણે ટ્રાફિક જામ પણ થઇ જતો હતો. નવી સિસ્ટમ અમલમાં આવ્યા પછી આ સમગ્ર સિસ્ટમ ડિજિટલ થઈ ગઈ છે. યાત્રી પોતાના વાહનની માહિતી ઓનલાઈન રજિસ્ટર કરી શકે છે અને જરૂરી ફી ઓનલાઈન ચુકવી શકે છે અને પોતાની યાત્રા શરૂ કરવાની પહેલા એક ક્યુઆર કોડ મેળવી શકે છે.
બોર્ડર પર યાત્રીઓને ફક્ત આ ક્યુઆર કોડ બતાવવાનો રહેશે અને કોઈ પણ પ્રકારનાં વિલંબ વગર તે આગળ વધી શકશે. જો તમે નેપાળ પહોંચ્યા પછી ત્યાં પોતાનો પ્રવાસ લંબાવવા માંગો છો તો આ પરમિટ ઓલાઇન રિન્યુ કરી શકાશે.
આ સિસ્ટમને નેપાળનાં નાણા પ્રધાન ડો. સ્વર્ણિમ વાગલેએ જાહેર સેવાઓ વધુ સારી બનાવવા ઉદ્દેશથી લોન્ચ કરી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
