<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

બિહારના વૈશાલીમાં ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૧૩ બાળકોના કરુણ મોત : પૂ. મોરારિબાપુ દ્વારા રૂ. ૨ લાખની સહાય જાહેર

ભારત સ્વસ્તિક યાત્રા દરમ્યાન પૂ. બાપુએ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને પાઠવી દિલસોજી : મુંબઈના શ્રોતા મારફત મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે સહાયતા રાશિ

તલગાજરડા: બિહારના વૈશાલી જિલ્લામાં રાધોપુર ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એક જ પરિવારના સભ્યો બોટમાં સવાર થઈને એક ભોજન સમારંભમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન ગંગા નદીમાં અચાનક બોટ પલટી ખાતા રામપ્રવેશ રાય પરિવારના ૧૩ જેટલા બાળકો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. આ ભયાનક કરુણાંતિકાને કારણે પીડિત પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પૂ. મોરારિબાપુ દ્વારા સહાયતા રાશિની જાહેરાત અને શ્રદ્ધાંજલિ:
હાલમાં 'ભારત સ્વસ્તિક યાત્રા' પર રહેલા વિખ્યાત કથાકાર પૂ. મોરારિબાપુને આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ તેમણે ભારે વેદના અને સંવેદના વ્યક્ત કરી હતી. પૂ. બાપુએ આ હતભાગી પરિવારોની સહાયતા માટે રૂ. ૨,૦૦,૦૦૦ (બે લાખ રૂપિયા) ની આર્થિક સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સહાયતા રાશિ રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂ. બાપુએ ભગવાન હનુમાનજીના ચરણોમાં દિવંગત બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે અને શોકગ્રસ્ત પરિવારજનોને ઊંડાણપૂર્વકની દિલસોજી પાઠવી છે. જયદેવ માંકડ, તલગાજરડા દ્વારા આ પ્રેસ નોટ અન્વયે વિગતો જાહેર કરવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:24 PM IST)