તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
કાસગંજમાં કરૂણાંતિકા: ૯ દિવસના નવરાત્રિ ઉપવાસ બાદ ચૌમીન ખાવાથી ૧૨ વર્ષની બાળકીનું દર્દનાક મોત
દશેરાના મેળામાં ચૌમીન-આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડી: ઉલટી વખતે શ્વાસનળીમાં ખોરાક ફસાઈ જવાની આશંકા

કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ૧૨ વર્ષની એક માસુમ બાળકીનું ચૌમીન ખાધા બાદ અચાનક મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ધોરણ ૧૦માં અભ્યાસ કરતી તનુ શ્રીવાસ્તવ નામની આ બાળકીએ નવરાત્રિના આખા નવ દિવસના ઉપવાસ રાખ્યા હતા અને દશેરાના દિવસે ચામુંડા મંદિરે દર્શન કર્યા બાદ મેળામાં ચૌમીન અને આઈસ્ક્રીમ ખાધો હતો.
મળતી વિગતો અનુસાર, એટાહ જિલ્લાના મીરહાચી શહેરની રહેવાસી ૧૨ વર્ષીય તનુ શ્રીવાસ્તવ પોતાના પરિવાર સાથે કાસગંજના પ્રસિદ્ધ મા ચામુંડા દેવી મંદિરે દર્શન કરવા ગઈ હતી. ૯ દિવસના કઠિન ઉપવાસ પૂર્ણ કર્યા બાદ મંદિરમાં પૂજા-અર્ચના કરી પરિવાર સાથે મંદિર પરિસરમાં યોજાયેલા મેળામાં ગઈ હતી. મેળામાંથી તેણે ચૌમીન અને આઈસ્ક્રીમ ખાધા હતા. ત્યારબાદ સાંજે આશરે ૪:૩૦ વાગ્યે ઘરે પરત ફરતી વખતે તેની તબિયત અચાનક લથડી હતી, તેને બેચેની થવા લાગી હતી અને સતત ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી.
ગંભીર હાલતમાં પરિવારજનો તેને તુરંત કાસગંજની કલાવતી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ કમનસીબે ડોક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
એટાહના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ADM) રાજેન્દ્ર પ્રસાદે આ બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાથમિક આશંકા મુજબ, ઉલટી કરતી વખતે ચૌમીનનો કોઈ ટુકડો બાળકીની શ્વાસનળીમાં ફસાઈ ગયો હોઈ શકે છે, જેના કારણે શ્વાસોશ્વાસ રુંધાતા તેનું મોત નીપજ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
ઉલ્લેખનીય છે કે મૃતક બાળકી 'ધ એન્જલ ફ્યુચર સ્કૂલ'માં અભ્યાસ કરતી હતી અને તેના પિતા શરદ શ્રીવાસ્તવ આસામના ડિબ્રુગઢ ખાતે એક ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. આ કરૂણ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
