તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Monday, 22nd June 2026
પ્રવાસીઓ સાવધાન! દુબઈ જાહેર વર્તણૂક માટે લાવશે નવા કડક નિયમો: જોડાશે 'નાગરિકતા માર્ગદર્શિકા'
વૈશ્વિક સ્તરે શહેરની આબરૂ વધુ મજબૂત કરવા મોટો નિર્ણય: જાહેર સ્થળો અને ઉજવણીઓ માટે ગાઈડલાઈન જાહેર, સામાજિક મૂલ્યો અને જવાબદારીઓનું પાલન કરવું ફરજિયાત બનશે

દુબઈ: જો તમે આગામી દિવસોમાં દુબઈ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુબઈ સરકારે વિશ્વના સૌથી સભ્ય અને આધુનિક શહેરોમાંની પોતાની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરવા માટે એક મોટી જાહેરાત કરી છે. એક ઉચ્ચ સ્તરીય સરકારી સમિતિની બેઠક બાદ સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, દુબઈ ટૂંક સમયમાં જ જાહેર સ્થળો પર લોકોની વર્તણૂક અને તહેવારો-ઉત્સવોની ઉજવણીને લઈને એક નવી અને કડક સત્તાવાર માર્ગદર્શિકા (ગાઈડલાઈન) રજૂ કરવા જઈ રહ્યું છે.
આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત દુબઈ નાગરિકતા સમિતિની પાંચમી બેઠક દરમિયાન કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા એક્ઝિક્યુટિવ ઓફિસ અને સમિતિના અધ્યક્ષ મોહમ્મદ અબ્દુલ્લા અલ ગેરગાવીએ કરી હતી. મીટિંગ દરમિયાન વહીવટીતંત્રે બે મુખ્ય પિલર રજૂ કર્યા છે: પહેલું 'દુબઈ નાગરિકતા માર્ગદર્શિકા', જે જાહેર સ્થળોએ સામાન્ય આચરણ અને શિસ્તના નિયમો નક્કી કરશે. અને બીજું 'વિવિધ પ્રસંગોની ઉજવણી માટેની માર્ગદર્શિકા', જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ જાહેર ઉજવણી અથવા પાર્ટી સ્થાનિક સામાજિક મૂલ્યો અને સમુદાયની ભાવનાને ઠેસ ન પહોંચાડે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી પહેલ માત્ર કાયદા કે નિયમો પૂરતી સીમિત નથી, પરંતુ તે શહેરના સૌંદર્ય શાસ્ત્ર, વિઝ્યુઅલ આઇડેન્ટિટી (દ્રશ્ય ઓળખ) અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટેની એક વ્યાપક વ્યુહરચનાનો ભાગ છે. આ અંતર્ગત દુબઈના શહેરી લેન્ડસ્કેપને વધુ સુંદર બનાવવા માટે એક સંકલિત લાઇટિંગ સિસ્ટમ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને દુબઈના શાસક હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમના વિઝનને આગળ ધપાવતા આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના કેન્દ્રમાં માનવ અનુભવ અને શિષ્ટાચાર છે.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર ૨૦૨૫ માં દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ વડા પ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દ્વારા આ ખાસ 'દુબઈ સિવિલિટી કમિટી' (સભ્યતા સમિતિ) ની સ્થાપના કરવામાં આવી હતી. આ સમિતિનું મુખ્ય કામ જ દુબઈમાં સભ્યતા અને શિસ્તના ધોરણોને માપવાનું અને તેને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ બનાવવાનું છે. આ નવી ગાઈડલાઈન લાગુ થયા બાદ અહીં આવતા કરોડો પ્રવાસીઓએ દુબઈની સંસ્કૃતિ અને જાહેર શિષ્ટાચારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે, અન્યથા તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
