<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ઘરકંકાસથી કંટાળીને માતાએ ૪ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્‍યું

ત્રણ માસૂમ બાળકોના મોતથી શોકની લાગણી

દેવગઢ બારીયા તા.૧૭: દાહોદ જિલ્‍લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્‍યાં કૌટુંબિક તણાવના કારણે એક માતાએ પોતાના ચાર માસૂમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્‍તારને શોકમગ્ન કરી દીધો છે. ગામમાં રહેતી ચંપાબેન બિદેશભાઈ રાઠવા નામની મહિલાએ આ કૃત્‍ય કર્યું હોવાનું સામે આવ્‍યું છે. ઘટનામાં માતા અને એક પુત્રીનો જીવ બચી ગયો છે, જ્‍યારે ત્રણ નાનકડા બાળકોના કરૂણ મોત થયા છે.

મળતી માહિતી મુજબ ઘટના સમયે એક સ્‍થાનિક મહિલાએ આ દ્રશ્‍ય જોઈ તાત્‍કાલિક ગામના આગેવાન દીપસિહભાઈ મૂળાભાઈ રાઠોડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી દીપસિહભાઈએ વિલંબ કર્યા વગર નજીકના ગામમાં રહેતા સંજયભાઈ નામના યુવકનો સંપર્ક કર્યો. સંજયભાઈએ હિમત દાખવી તરત જ કૂવામાં કૂદીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તેઓ માતા ચંપાબેન અને એક બાળકીનો જીવ બચાવવામાં સફળ રહ્યા.

ઘટનામાં ઇજાગ્રસ્‍ત અન્‍ય ત્રણ બાળકોને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. પરંતુ હોસ્‍પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્‍ટરોએ ૧૨ વર્ષની પ્રિયંકા, ૫ વર્ષના ગિરિરાજ અને ૨ વર્ષના રાજવીરને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર ગામ સહિત આસપાસના વિસ્‍તારમાં શોકનો માહોલ ફેલાવ્‍યો છે અને લોકોમાં ભારે વ્‍યથા છવાઈ ગઈ છે.

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે આ ઘટના પાછળ કૌટુંબિક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હકીકતો જાણવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે. માતા ચંપાબેન અને બચી ગયેલી પુત્રી સવિતા હાલ દેવગઢ બારિયાની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

સ્‍થાનિકોની મદદથી માતા અને એક પુત્રીનો જીવ બચાવવામાં આવ્‍યો. જ્‍યારે અન્‍ય ત્રણ બાળકોને હોસ્‍પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્‍યા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.

(10:16 AM IST)