<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે દેશના 13 રાજ્યોમાં આંધી, વરસાદ અને તેજ પવનની આગાહી સાથે ગંભીર ચેતવણી

ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનો કહેર :લખનઉ અને ગોરખપુર જેવા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે

નવી દિલ્હી :ભારતીય હવામાન વિભાગે આજે  દેશના 13 રાજ્યોમાં આંધી, વરસાદ અને તેજ પવનની આગાહી સાથે ગંભીર ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ભારતમાં જ્યાં એક તરફ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યાં બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

દિલ્હીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સાંજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનો કહેર યથાવત છે. લખનઉ અને ગોરખપુર જેવા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બિહારમાં હાલ ગરમીનો ત્રાસ વધી રહ્યો છે, જોકે આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પણ તાપમાનમાં વધારો નોંધાયો છે અને બાડમેરમાં પારો 42.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી લોકો માટે અસ્વસ્થતા ઊભી કરી શકે છે. હવામાન વિભાગ મુજબ 19 અને 20 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. પૂર્વોત્તર રાજ્યો જેમ કે અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આમ, સમગ્ર દેશમાં હાલ હવામાનના બેવડા મિજાજનો અનુભવ થઈ રહ્યો છે.

 

(7:24 PM IST)