News of Wednesday, 11th November 2026
બ્રિટન, નોર્ધન આયર્લેન્ડ અને ઇટાલીની ૮૦૦થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : શાળાઓમાં દોડધામ : ખાલી કરાવાઈ
આશરે ૮૦૦ જેટલી શાળાઓને મળેલા ધમકીભર્યા શંકાસ્પદ ઇમેઇલ્સ બાદ સુરક્ષાતંત્ર દોડતું થયું : પોલીસે તપાસ બાદ મેઇલને 'હોક્સ' ગણાવ્યા : સાયબર સેલે તપાસ શરૂ કરી

લંડન: બ્રિટનના સ્કોટલેન્ડ, નોર્ધન આયર્લેન્ડ, રિપબ્લિક ઓફ આયર્લેન્ડ અને ઇટાલીની ૮૦૦થી વધુ શાળાઓને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા સંશયાસ્પદ ઇમેઇલ્સ મળતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ઘટનાના પગલે શાળાઓમાં તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યા હતા અને અનેક શાળાઓને તાબડતોબ ખાલી કરાવીને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં કટોકટીનો માહોલ:
બુધવારે વહેલી સવારે સ્કોટલેન્ડના ગ્લાસગો, એડિનબર્ગ, ફાઇફ અને હાઇલેન્ડ્સ સહિતના વિસ્તારોની ૪૭૦થી વધુ શાળાઓમાં અને નોર્ધન આયર્લેન્ડની ૩૦૦થી વધુ શાળાઓમાં ધમકીભર્યા મેઇલ મળ્યા હતા. ઇમેઇલમાં શાળા પરિસરમાં બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ધમકીના પગલે તીવ્ર ઠંડી વચ્ચે પણ વિદ્યાર્થીઓને શાળાના મેદાનમાં ધાબળા ઓઢાડીને રાખવા પડ્યા હતા, જ્યારે કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા. આ જ પ્રકારની ધમકીઓ ઇટાલીની પણ ૩૦૦થી વધુ શાળાઓને મળતાં ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સરકારની તાકીદની બેઠક બોલાવી હતી.
પોલીસ તપાસ અને હોક્સ મેઇલ હોવાની સ્પષ્ટતા:
પોલીસ સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડ પોલીસ સર્વિસ (PSNI) ના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકસાથે મોકલવામાં આવેલા આ તમામ ઇમેઇલ્સ માત્ર એક અફવા (હોક્સ) હતા અને જાહેર જનતા કે શાળાઓ માટે કોઈ પ્રત્યક્ષ જોખમ નથી. સ્કોટલેન્ડ પોલીસના સાયબર અને ફ્રોડ યુનિટે આ મેઇલ્સના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે બ્રિટિશ અને આંતરરાષ્ટ્રીય કાયદાકીય એજન્સીઓ સાથે મળીને વ્યાપક તપાસ શરૂ કરી છે.
અગાઉ પણ કટ્ટરપંથી લખાણ સાથે મળ્યા હતા ધમકીભર્યા મેઇલ:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડની શાળાઓને આ જ પ્રકારે ધમકીભર્યા ઇમેઇલ્સ મળ્યા હતા, જેમાં કટ્ટરપંથી વિગતો અને ધાર્મિક નારા લખવામાં આવ્યા હતા. તદુપરાંત, તાજેતરમાં જ યુરોપિયન એરલાઇન્સને પણ આવી જ રીતે બોમ્બની ધમકીઓ મળતાં ફાઇટર જેટ્સ દ્વારા પ્લેનનું લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પોલીસ અને શિક્ષણ સત્તામંડળોએ વાલીઓ અને સત્તાધીશોને ગભરાયા વગર ધીરજ રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
