<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

"મોંઘવારીને ચૂડેલ કહેનારા હવે રાણીની જેમ વળગી રહ્યા છે": તેજસ્વી યાદવના 'ડબલ એન્જિન' સરકાર પર આકરા પ્રહારો

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને ખાદ્ય ચીજોના આસમાને પહોંચેલા ભાવથી મધ્યમ વર્ગ-ખેડૂતોની કમર ભાંગી: ઉજ્જવલા યોજનાના ખાલી સિલિન્ડરો સરકારની નિષ્ફળતાની સાક્ષી

પટના:રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના કાર્યાધ્યક્ષ તેજસ્વી યાદવે રવિવારે પટના ખાતેથી કેન્દ્ર અને રાજ્યની 'ડબલ એન્જિન' સરકાર સામે તીખો રાજકીય હુમલો બોલાવ્યો છે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ભાજપ અને તેના સહયોગી પક્ષોને ઘેરતા તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મૂડીવાદી અને નિષ્ફળ નીતિઓના કારણે આજે સામાન્ય નાગરિકો, ગરીબો અને ખેડૂતોનું જીવવું દુષ્કર બની ગયું છે.

તેજસ્વી યાદવે વિરોધ પક્ષોના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો હતો કે, "વિપક્ષમાં હતા ત્યારે જે લોકો મોંઘવારીને 'ચૂડેલ' કહેતા હતા, તેઓ જ આજે સત્તામાં આવ્યા પછી તેને 'રાણી'ની જેમ વળગી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે સત્તાધીશો પોતાની પ્રિય મોંઘવારીને ડામવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. ખાદ્ય પદાર્થો, પેટ્રોલ, ડીઝલ, ખાતર, બીજ, વીજળી અને એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો કરીને સરકારે સામાન્ય જનતા પર આર્થિક બોજ ઝીંકી દીધો છે.

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'ઉજ્જવલા યોજના' પર નિશાન સાધતા આરજેડી નેતાએ જણાવ્યું કે, સરકાર ભલે આ યોજનાના ગુણગાન ગાતી હોય પરંતુ શું તેનામાં ગામડાઓમાં જઈને વાસ્તવિકતા તપાસવાની હિંમત છે? આજે ગરીબોના ઘરોમાં રાંધણગેસના સિલિન્ડરો મોંઘવારીના કારણે ખાલી પડ્યા છે. રસોઈ ગેસ અને ખાદ્ય તેલના આસમાને પહોંચેલા ભાવે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.


તેજસ્વી યાદવે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષની નીતિઓ ગરીબોને લૂંટીને અમીરોને વધુ સમૃદ્ધ બનાવવાની છે. તેમણે જાહેરાત કરી હતી કે મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભૂખમરા જેવા જનહિતના મુદ્દાઓ પર તેમની પાર્ટીનો વિરોધ અને સંઘર્ષ શેરીઓથી લઈને વિધાનસભા ગૃહ સુધી સતત ચાલુ રહેશે.

(8:05 PM IST)