<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

મોતને મુઠ્ઠીમાં લઈને નીકળી આ મહિલા! યુપીમાં વાવાઝોડા વચ્ચે ભેંસને બચાવવા ગઈ અને સેકન્ડના અંતરે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ: જુઓ વિડીયો

ભારે પવનમાં ઉખડી ગયેલું ઝાડ મહિલા પર પડતા પડતા રહી ગયું; જીવના જોખમે અબોલ પશુને બચાવવાની હિંમત જોઈ સોશિયલ મીડિયા પર લોકો આફરીન

પ્રતાપગઢ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી એક હૃદયધબકાવી દેતો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મહિલા અને તેની ભેંસ મોતની જાળમાંથી આબાદ રીતે બચી નીકળ્યા છે. કુદરત જ્યારે કોપાયમાન થાય છે ત્યારે સેકન્ડોનું અંતર પણ જીવન અને મરણ વચ્ચેની રેખા બની જાય છે, તેવું જ કંઈક અહીં જોવા મળ્યું. ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે એક વિશાળ વૃક્ષ જમીનદોસ્ત થયું હતું, જેની બરાબર નીચે આ મહિલા ઊભી હતી.
પોતાના જીવ કરતા પશુની ચિંતા વધુ
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વિસ્તારમાં ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. એક મહિલા ઝાડ સાથે બાંધેલી પોતાની ભેંસને છોડાવવા માટે દોડી જાય છે. પવન એટલો પ્રચંડ હોય છે કે પલવારમાં જ એ વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડી જાય છે. જેવું મહિલા પોતાની ભેંસને લઈને થોડી દૂર ખસી, કે તરત જ એ આખું વૃક્ષ બરાબર એ જ જગ્યાએ પડ્યું જ્યાં તે ઉભી હતી. જો મહિલાએ ખસવામાં એક સેકન્ડની પણ મોડ કરી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
આસપાસના લોકોમાં મચી ગઈ ચીસાચીસ
આ આખી ઘટના ત્યાં ઉભેલા લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. વૃક્ષ ધરાશાયી થતા જ આસપાસના લોકોના મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. દરેકને એમ જ લાગ્યું કે મહિલા અને ભેંસ દબાઈ ગયા હશે, પરંતુ ચમત્કારિક રીતે બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટના બાદ તરત જ પડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં મહિલા કે અબોલ પશુને કોઈ જ ઈજા થઈ નથી.
હિંમતને સલામ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. લોકો મહિલાની નિર્ણયશક્તિ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતે ભાગી જવાને બદલે અબોલ પ્રાણીનો જીવ બચાવવા માટે તેણે જે સાહસ બતાવ્યું છે, તેણે લોકોના દિલ જીતી લીધા છે. યુઝર્સ કહી રહ્યા છે કે, "જ્યાં સુધી રામ રાખે ત્યાં સુધી કોઈ મારી શકતું નથી."

(5:55 PM IST)