<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

'આ સંપૂર્ણપણે રક્ષણાત્મક છે, આક્રમક નહીં': હુતી વિદ્રોહીઓના હુમલા બાદ પાકિસ્તાને 'મક્કા પૅક્ટ'ને લઈને આપી સ્પષ્ટતા!

યમનના હુતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયા પર વધતા જતા હુમલાઓ વચ્ચે પાકિસ્તાને મક્કા સંરક્ષણ કરાર અંગે યુટર્ન લેતા જણાવ્યું છે કે આ સમજુતી માત્ર સંરક્ષણાત્મક છે અને હાલમાં કોઈ સૈન્ય કાર્યવાહી પર ચર્ચા થઈ રહી નથી.

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયા અને યમનના હુતી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. તાજેતરમાં હુતીઓ દ્વારા સાઉદી અરેબિયાના સંવેદનશીલ વિસ્તારો અને તેલ સુવિધાઓને નિશાન બનાવીને કરાયેલા હુમલા બાદ પાકિસ્તાન દ્વારા તાજેતરમાં હસ્તાક્ષર કરવામાં આવેલા 'મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ' (મક્કા પૅક્ટ) અંગે ભારે ચર્ચાઓ શરૂ થઈ હતી. શરૂઆતમાં પાકિસ્તાની રક્ષામંત્રીએ આ કરાર સક્રિય થવાની ચેતવણી આપી હતી, પરંતુ માત્ર 24 કલાકની અંદર જ પાકિસ્તાને પોતાના નિવેદનમાં પીછેહઠ કરતા સ્પષ્ટતા કરી છે કે આ પૅક્ટ સંપૂર્ણપણે રક્ષણાત્મક (ડિફેન્સિવ) છે અને હાલમાં કોઈ સૈન્ય કાર્યવાહી પર વિચારણા કરવામાં આવી રહી નથી.

 

ગત મહિને જ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે મક્કા ખાતે એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયા હતા, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ત્રણેય દેશોમાંથી કોઈપણ એક દેશ પર થયેલું સશસ્ત્ર આક્રમણ ત્રણેય પર હુમલો ગણવામાં આવશે. હુતીઓના તાજેતરના ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ આ કરાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિમાં આ કરાર હેઠળ કોઈ સૈન્ય પ્રતિક્રિયા આપવાની ચર્ચા નથી અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે નિયમો મુજબ જોવામાં આવશે. આ કરાર હેઠળ પાકિસ્તાને તાત્કાલિક ધોરણે કોઈ સૈન્ય હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતા સાઉદી અરેબિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

(7:38 PM IST)