News of Wednesday, 6th May 2026
મોતને હાથતાળી આપીને ઉભો થયો આ હીરો: ઈઝરાયેલના બરાક મોરાગની હૃદયસ્પર્શી કહાની, હમાસના આતંક વચ્ચે કેવી રીતે બચાવ્યો પરિવાર?
7 ઓક્ટોબરના નરસંહારમાંથી બચી નીકળેલા બરાક હવે દુનિયાને શીખવી રહ્યા છે સંઘર્ષ અને આશાનો પાઠ - શિકાગોમાં ગ્લોબલ ઈન્ડિયન ડાયસ્પોરાના કાર્યક્રમમાં છલકાઈ વેદના

શિકાગો: યહુદી સમુદાયની લડાયક વૃત્તિ અને મુશ્કેલીઓ સામે અડીખમ રહેવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ એટલે બરાક મોરાગ. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસના આતંકવાદીઓએ જ્યારે ઈઝરાયેલના કિબુત્ઝ નિર ઓઝ પર હુમલો કર્યો, ત્યારે બરાકનું સુખી જીવન પળવારમાં વેરવિખેર થઈ ગયું હતું. પરંતુ આજે બે વર્ષ બાદ, તે આ ઘટનાનો ભોગ બનવાને બદલે પોતાની વાર્તા દ્વારા વિશ્વભરમાં સ્થિતિસ્થાપકતા (Resilience) નો સંદેશ ફેલાવી રહ્યા છે.
તે કાળી રાતનો ખૌફનાક અનુભવ
બરાકે શિકાગોમાં ભારતીય સમુદાય વચ્ચે પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, તે દિવસે સવારે ૬:૩૦ વાગ્યે આતંકીઓએ ફેન્સ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. બરાક, તેમની પત્ની ઝિવ અને બાળકો ગયા અને ઈતામાર જીવ બચાવવા સેફ રૂમમાં પુરાઈ ગયા હતા. કલાકો સુધી અંધારામાં ડરના ઓથાર હેઠળ વિતાવ્યા બાદ, બહારથી ઘરો સળગાવવાનો અવાજ અને ધુમાડો આવવા લાગ્યો હતો. આતંકીઓ શુદ્ધ હિબ્રુ ભાષામાં વાત કરીને લોકોને બહાર લાવવા લલચાવતા હતા જેથી તેઓની હત્યા કરી શકાય. નિર ઓઝના ત્રીજા ભાગના રહેવાસીઓ કાં તો માર્યા ગયા અથવા બંધક બનાવી લેવાયા હતા.
પીડાને જ બનાવી ઉપચારની શક્તિ
જ્યારે બરાકને પૂછવામાં આવ્યું કે, "આટલા મોટા આઘાતને વારંવાર યાદ કરીને તમે કેવી રીતે જીવી શકો છો?" ત્યારે તેમણે ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો કે, પોતાની વાર્તા દુનિયાને કહેવી એ જ તેમના માટે એક થેરાપી (ઉપચાર) સમાન છે. તેઓ કોઈ કાઉન્સેલિંગ માટે નથી જતા, પરંતુ લોકો વચ્ચે જઈને હિંમતની વાત કરવી તેમને માનસિક શાંતિ આપે છે. તેમના ભાષણનું શીર્ષક પણ 'ચૂઝિંગ લાઈફ: ફ્રોમ સર્વાઈવલ ટુ રેઝિલિયન્સ' છે, જે લોકોમાં આશાનો સંચાર કરે છે.
ભારત અને ઈઝરાયેલના અતૂટ સંબંધો
શિકાગોમાં ગ્લોબલ ઈન્ડિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શિકાગો સ્થિત ભારતીય કોન્સ્યુલ જનરલ સોમનાથ ઘોષ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વામી વિવેકાનંદના ૧૮૯૩ના ઐતિહાસિક ભાષણને યાદ કરતા જણાવ્યું કે, ભારત વર્ષોથી અત્યાચારનો ભોગ બનેલા યહુદી સમુદાય માટે આશ્રયસ્થાન રહ્યું છે. ઈઝરાયેલના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ ડેલ્ફિન ગેમબર્ગે પણ આતંક સામેની લડાઈમાં વૈશ્વિક એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આજે બરાક મોરાગ માત્ર એક શરણાર્થી નથી, પરંતુ એક એવા વાર્તાકાર છે જે સાબિત કરે છે કે ગમે તેટલી મોટી તકલીફ હોય, જીવન જીવવાની જીદ હંમેશા જીતે છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
