News of Tuesday, 8th September 2026
૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ સફાચટ કરીને ૧૦,૦૦૦ રૂપિયા જીતી આ કન્યા

નવી દિલ્હી,તા.૮: સોશ્યલ મીડિયા પર અવનવી ફૂડ-ચેલેન્જના વિડિયો વાઇરલ થતા રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં એક છોકરીએ જે કરી બતાવ્યું છે એ જોઈને દંગ રહી જવાય છે. એક કન્ટેન્ટ-ક્રીએટરે એક છોકરી સમક્ષ એવી શરત મૂકી કે ૫૦૦૦ રૂપિયા મેળવવા માટે તે કેટલાં ગુલાબજાંબુ ખાઈ શકશે? આ છોકરીએ કહ્યું કે ૬૭.
આ ચેલેન્જ શરૂ થવાની સાથે છોકરીએ પહેલી ૭ મિનિટમાં ગુલાબજાંબુનું એક બોક્સ ખાલી કરી નાખ્યું. ત્યાર બાદ એક પછી એક પેકેટ સાફ થવા લાગ્યાં. દુકાનદાર પણ એક બોક્સ પૂરું થાય એ પહેલાં બીજું ભરવા દોડાડોડી કરવા લાગ્યો હતો. આઠમા બોક્સ સુધી પહોંચતાં-પહોંચતાં છોકરીએ પોતે જ મજાકમાં કહ્યું કે તેને શુગર-રશ એટલે કે હાઈ શુગર થઈ રહી છે, પણ તેની સ્પીડ ઓછી નહોતી થઈ.
આખરે માત્ર ૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ પેટમાં પધરાવીને તેણે આ ચેલેન્જ પૂરી કરી જેથી અંતમાં છોકરીને એક મોટું સરપ્રાઇઝ પણ મળ્યું. છોકરી તે કન્ટેન્ટ-ક્રીએટરને સોશ્યલ મીડિયા પર ફોલો કરતી હોવાને કારણે તેને ઇનામના ૫૦૦૦ રૂપિયા ઉપરાંત બીજા ૫૦૦૦ રૂપિયા બોનસરૂપે મળ્યા.
આમ માત્ર ૩૪ મિનિટમાં ૬૭ ગુલાબજાંબુ ઝાપટીને આ છોકરી સીધી ૧૦,૦૦૦ રૂપિયા રોકડા લઈને ઘરે ગઈ. હાલ આ સ્વીટ ચેલેન્જનો વિડિયો ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
