<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

વડોદરાની કર્મભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજ્યના ત્રીજા ભવ્ય 'સરદાર ધામ'નું લોકાર્પણ : પાટીદાર રત્ન એવોર્ડથી કરાશે સન્માન

દોઢસો કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનેક પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ

વડોદરા : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના મૂલ્યોના ઉપાસક અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સોમવાર, ૧૧ મે ૨૦૨૬ના રોજ વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સમસ્ત પાટીદાર સંગઠનોની એકતાના પ્રતીક સમાન અને રાજ્યના તૃતીય ભવ્ય તેમજ સુવિધાસંપન્ન 'સરદાર ધામ'નું સાંજે ૫:૩૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન લોકાર્પણ કરશે. વડોદરાની વાઘોડિયા ચોકડી પાસે, એલ એન્ડ ટી નોલેજ સિટીની બાજુમાં નિર્મિત આ સંકુલ શિક્ષણના માધ્યમથી સમાજ વિકાસની પરિકલ્પનાને સાકાર કરશે.

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેરક ઉપસ્થિતિ આપશે. ટીમ સરદાર ધામ દ્વારા આયોજિત આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર ધામ પ્રોજેક્ટ સંલગ્ન વિવિધ વિદ્યોતેજક અને સામાજિક એકતાને મજબૂત કરતા આયોજનોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા વડાપ્રધાનને 'પાટીદાર રત્ન' એવોર્ડ એનાયત કરીને તેમનું વિશેષ નાગરિક અભિવાદન કરવામાં આવશે.

સરદાર ધામના પ્રથમ તબક્કાનું નિર્માણ અંદાજે ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે ૨ હજાર દીકરા-દીકરીઓને શિક્ષણની અતિ આધુનિક નિવાસી સુવિધા પૂરી પાડતા 'ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ'નું નિર્માણ પૂર્ણ થયું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થશે. આ સંકુલ સરદાર સાહેબની પુણ્ય સ્મૃતિને ચરિતાર્થ કરતા એક વિદ્યાતીર્થ તરીકે ઉભરી આવશે, જ્યાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ વાતાવરણ પ્રાપ્ત થશે.

આ ઐતિહાસિક અવસરે રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ તેમજ વ્યાપાર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. સરદાર ધામ ટ્રસ્ટી મંડળ અને પાટીદાર સંગઠનો દ્વારા કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડાપ્રધાનના હસ્તે થનારા આ લોકાર્પણથી વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના શૈક્ષણિક અને સામાજિક માળખાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.

(8:43 PM IST)