<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

"તેઓ મને માનસિક રીતે તોડી નાખવા માગતા હતા": યુક્રેનિયન યુદ્ધકેદીઓ સામે રશિયાએ જાતીય હિંસાને બનાવ્યું 'સિસ્ટમેટિક હથિયાર': WSJનો સનસનાટીપૂર્ણ અહેવાલ

સંયુક્ત રાષ્ટ્ર અને યુક્રેનિયન તજવીજકારોના ચોંકાવનારા ખુલાસા: રશિયન છાવણીઓમાં પુરુષ યુદ્ધકેદીઓ પર બળાત્કાર, ગુપ્ત ભાગો પર ઇલેક્ટ્રિક શોક અને અમાનુષી અત્યાચાર દ્વારા આત્મબળ ભાંગી નાખવાનું વ્યાપક ષડયંત્ર

વોશિંગ્ટન :  યુક્રેન યુદ્ધ વચ્ચે માનવતાને શરમસાર કરતી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક હકીકત સામે આવી છે. 'વોલ સ્ટ્રીટ જર્નલ'  ના તાજેતરના એક વિશેષ તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન સૈન્ય અને જેલ સત્તાવાળાઓ યુક્રેનિયન પુરુષ યુદ્ધકેદીઓ અને નાગરિકોને માનસિક તથા શારીરિક રીતે તોડી પાડવા માટે જાતીય હિંસાનો એક વ્યવસ્થિત અને આયોજનબદ્ધ 'યુદ્ધના હથિયાર' તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના તપાસકર્તાઓ, યુક્રેનિયન ફરિયાદીઓ અને જેલમાંથી મુક્ત થયેલા પૂર્વ સૈનિકોની આપવીતી પર આધારિત આ અહેવાલે વૈશ્વિક સ્તરે રશિયાની ક્રૂરતા સામે ભારે આક્રોશ જગાડ્યો છે.

આ અહેવાલમાં સેર્હી બોયચુક નામના યુક્રેનિયન સૈનિકની ભયાનક આપવીતી રજૂ કરવામાં આવી છે, જેને બે વર્ષથી વધુ સમય સુધી રશિયન કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. બોયચુકે ખુલાસો કર્યો હતો કે રશિયન રક્ષકોએ તેની સાથે લાકડીઓ અને બોટલો વડે બળાત્કાર કર્યો હતો તેમજ ગુપ્તાંગો પર છરીઓ રાખીને મારી નાખવાની ધમકીઓ આપી હતી. અહેવાલ મુજબ અત્યાર સુધીમાં રશિયન દળો દ્વારા જાતીય હિંસા અને અમાનુષી યાતનાઓના ૩૧૦થી વધુ નોંધાયેલા કેસો સામે આવ્યા છે, જેમાંથી ૨૮૦થી વધુ પીડિતો પુરુષો છે. કેદીઓને વીજળીના આંચકા આપવા માટે આર્મી ફિલ્ડ ટેલિફોનના વાયરો તેમના ગુપ્ત ભાગો સાથે જોડવામાં આવતા હતા, જેને જેલના રક્ષકો વિકૃત મજાકમાં 'પુતિનને કોલ કરવો' તરીકે ઓળખાવતા હતા.

યુક્રેનિયન તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી પ્રવૃત્તિઓ કોઈ મનોરોગી સૈનિકોનું વ્યક્તિગત કૃત્ય નથી પરંતુ ક્રેમલિનના કમાન્ડરો અને જેલ તંત્ર દ્વારા મંજૂર કરાયેલું એક મોટું સૈન્ય અભિયાન છે. સેન્ટ પીટર્સબર્ગથી લઈને રશિયાના અંદરના ભાગોમાં આવેલી નવ અલગ-અલગ જેલ છાવણીઓમાં આ પ્રકારે યોજનાબદ્ધ યાતનાઓ આપવામાં આવી રહી છે. પૂર્વ આંતરરાષ્ટ્રીય સરકારી વકીલોએ ભારપૂર્વક જણાવ્યું છે કે કમાન્ડિંગ ઓફિસરો આ ગુનાઓથી અજાણ હોવાનો દાવો કરી શકે નહીં. નાગરિકો અને સૈનિકોના મનોબળને તોડી પાડવા માટે કરવામાં આવતા આ આસુરી કૃત્યો સામે ક્રેમલિને કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અપરાધો (War Crimes) નો કેસ વધુ મજબૂત બની રહ્યો છે.

(8:38 PM IST)