<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

થાણેમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા ડિફોલ્ટરો સામે મહાનગરપાલિકાની લાલ આંખ: ૬૫૦૦થી વધુ મિલકત ધારકોને ફટકારાઈ નોટિસ

લાંબા સમયથી વેરો ચૂકવવામાં આનાકાની કરતા કરદાતાઓ વિરુદ્ધ થાણે પાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે મિલકતો સીલ કરવાની સાથે પાણી પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો છે.

થાણે : થાણે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આનાકાની કરનારા મિલકત ધારકો સામે અત્યંત આક્રમક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના વેરાના બિલોનું વિતરણ થયા બાદ પણ કર ન ભરનાર ડિફોલ્ટરો વિરુદ્ધ પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના અંતર્ગત હજારો નોટિસો ફાટકારવાની સાથે સીલિંગ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, મહાનગરપાલિકાના નિયમો અને અધિનિયમ મુજબ બાકી રહેલી ટેક્સની રકમ વસૂલવા માટે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ વિશેષ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૬,૫૮૦ જેટલા મિલકત માલિકોને સત્તાવાર નોટિસો ફટકારવામાં આવી છે, જ્યારે ૨૮૬ મિલકતો સામે વોરંટ ઇસ્યુ કરીને જપ્તીની કડક કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે.

 

આ કાર્યવાહીને વધુ વેગ આપતા પાલિકા વહીવટી તંત્રએ ટેક્સ ન ભરનાર મિલકતો સામે દંડાત્મક પગલાં લીધા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૨૬ મિલકતોને સત્તાવાર રીતે સીલ કરી દેવામાં આવી છે તથા ૭૩ મિલકતોનો નળ કનેક્શન દ્વારા અપાતો પાણી પુરવઠો પણ કાયમી કે અસ્થાયી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી ડિફોલ્ટરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

 

આ સમગ્ર વસૂલી અભિયાન અંગે માર્ગદર્શન આપતા પાલિકા કમિશનર સૌરભ રાવે પ્રોપર્ટી ટેક્સની વસૂલીની પ્રક્રિયાને વધુ તીવ્ર અને અસરકારક બનાવવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. તેમના આદેશ અનુસાર તમામ વોર્ડ વિસ્તારોમાં આસિસ્ટન્ટ કમિશનરની આગેવાની હેઠળ વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેઓ સ્થળ પર જઈને ટેક્સ ચોરી કરનારાઓ અને ડિફોલ્ટરો સામે કાયદેસરના પગલાં લઈ રહી છે.

 

પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અનિચ્છનીય કાર્યવાહી કે કડક પગલાંથી બચવા માટે જે કરદાતાઓએ હજુ સુધી પોતાનો બાકી ટેક્સ જમા નથી કરાવ્યો, તેઓ વહેલી તકે મહાનગરપાલિકામાં નાણાં ભરી દે. કરદાતાઓની સુવિધા માટે પાલિકા દ્વારા ઓનલાઈન પેમેન્ટની સરળ વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો મળે.

 

આગામી દિવસોમાં થાણે મહાનગરપાલિકા દ્વારા આ ટેક્સ વસૂલીની ઝુંબેશને વધુ વ્યાપક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનાર મિલકત ધારકો સામે મિલકત હરાજી સુધીના કડક પગલાં લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે, જેનાથી પાલિકાની રેવન્યુ આવકમાં મોટો વધારો થવાની અપેક્ષા છે.

(7:17 PM IST)