News of Sunday, 10th May 2026
તમિલનાડુમાં 'થલાપતિ' યુગનો પ્રારંભ: મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જ વિજય પર અભિનંદન વર્ષા, પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે સહયોગની ખાતરી આપી
દ્રવિડિયન રાજનીતિના ગઢમાં ટીવીકેનો ભવ્ય વિજય અને પરિવર્તનનો શંખનાદ: જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રંગીન શપથ વિધિ બાદ વડાપ્રધાને એક્સ પર પોસ્ટ કરી વિજયને નવા કાર્યકાળ માટે પાઠવી શુભેચ્છાઓ

ચેન્નાઈ: તમિલનાડુના રાજકારણમાં રવિવારે એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જ્યારે લોકપ્રિય અભિનેતા અને ટીવીકે (TVK) પક્ષના વડા સી. જોસેફ વિજયે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા નવનિયુક્ત મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તમિલનાડુના લોકોના જીવનધોરણને સુધારવા અને કલ્યાણકારી કાર્યો માટે રાજ્ય સરકાર સાથે ખભેખભો મિલાવીને કામ કરવા તૈયાર છે.
૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં દાયકાઓથી ચાલતા બંને મુખ્ય દ્રવિડ પક્ષોના પ્રભુત્વનો અંત આણી દીધો છે. વિજયના નેતૃત્વમાં ટીવીકે પક્ષે ૨૩૪ માંથી ૧૦૮ બેઠકો પર જીત મેળવીને શાનદાર શરૂઆત કરી છે. જોકે પક્ષ બહુમતીના આંકડાથી થોડો દૂર રહ્યો છે, પરંતુ કોંગ્રેસ, સીપીઆઈ(એમ), વીસીકે અને આઈયુએમએલ જેવા પક્ષોના સમર્થનથી વિજયે સરકારની રચના કરી છે. મંત્રીમંડળના પ્રથમ વિસ્તરણમાં એસ. કીર્થના અને એન. આનંદ સહિત કુલ નવ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા, જેમનો પરિચય વિજયે શપથ વિધિ પૂર્વે રાજ્યપાલ સાથે કરાવ્યો હતો.
રાજકીય વિશ્લેષકો વિજયના આ ઉદયને પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રન (MGR) સાથે સરખાવી રહ્યા છે, કારણ કે તેમના પ્રચાર દરમિયાન પણ જનમેદનીનો અભૂતપૂર્વ મહેરામણ ઉમટ્યો હતો. તમિલનાડુમાં સિનેમા જગતમાંથી રાજકારણમાં પ્રવેશવાનો જૂનો ઇતિહાસ રહ્યો છે, અને હવે 'થલાપતિ' ના નામે જાણીતા વિજયના આગમનને વિજયકાંત પછીના એક મોટા પ્રકરણ તરીકે જોવામાં આવે છે. પીએમ મોદીએ તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે જે રીતે શુભેચ્છાઓ પાઠવી છે, તે જોતા આગામી સમયમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સમીકરણો પર સૌની નજર ટકેલી રહેશે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
